સાહિત્યસર્જક: સુરેશ જોષી
સવિશેષ પરિચય:
ફોટો: સુરેશ જોષી-ચંદ્રકાન્ત ટોપીવાળા જનાન્તિકે (૧૯૬૫) : સુરેશ જોષીએ ૧૯૫૫ થી ૧૯૬૪ સુધીના સમયગાળામાં લખેલા લલિતનિબંધોનો પહેલો સંગ્રહ. કાવ્યાત્મક, કથનાત્મક, આત્મકથનાત્મક ને ચિન્તનાત્મક શૈલીઓનો સમન્વય કરીને નિપજાયેલું એક નવા જ પ્રકારનું ‘જનાન્તિક’ નિબંધસ્વરૂપ ગુજરાતી સાહિત્યના નિબંધને કાલેલકર પછી એક નવું પરિમાણ અર્પે છે. રવીન્દ્રનાથ ઠાકુરના નિબંધોનો પ્રભાવ ઝીલતા આ નિબંધોની મુખ્ય લાક્ષણિકતા શિશુસહજ વિસ્મય, સમૃદ્ધ ઈન્દ્રિયજન્ય સંવેદનો, જીવનને અપરોક્ષભાવે માણવાની જિકર તેમ જ શબ્દે શબ્દે પ્રગટ થતી સર્જકના જીવંત વ્યક્તિત્વની અભિવ્યક્તિને ગણાવી શકાય. નિબંધોમાં તર્કને બદલે કલ્પના, અર્થાન્તરન્યાસ કે દ્રષ્ટાંતને બદલે ઉત્પ્રેક્ષા અને ઉપમા, વિષયની વ્યવસ્થિત માંડણીને બદલે ચિત્તનો મુગ્ધવિહાર જોવા મળે છે. જડભરત અને યાંત્રિક સંસ્કૃતિ પ્રત્યેનો કટાક્ષ અને આક્રોશ આ નિબંધોની શૈલીને વધુ જીવંત બનાવે છે. નિબંધો ક્યારેક કાવ્ય અને નિબંધની સીમાઓને, ક્યારેક વિવેચન અને નિબંધની સીમાઓને, તો ક્યારેક આત્મકથા અને નિબંધની સીમાઓને ઓગળી નાખે છે. આ નિબંધશૈલીનો પ્રભાવ અનુગામી નિબંધકારો પર પડ્યો છે. સુરેશ જોશીના સર્જનને સમજવામાં આ નિબંધો ખૂબ ઉપયોગી છે. -શિરીષ પંચાલ ગૃહપ્રવેશ (૧૯૫૬) : ગુજરાતી ટૂંકીવાર્તામાં સુરેશ જોષીને આધુનિકપ્રણેતાનું માન અપાવનાર એમના આ પ્રથમ વાર્તાસંગ્રહમાં એકવીસ વાર્તાઓ છે. પ્રગટ થતાંની સાથે જ ભારે ઊહાપોહ સર્જનારા આ સંગ્રહમાં કથનરીતિના પ્રયોગોનું નિદર્શન કરાવતી ‘વાતાયન’; પુરાણકથાના ભૂતકાળની સમાન્તરે વર્તમાન સમયનું આલેખન કરતી ‘જન્મોત્સવ’, ‘નળદમયંતી’, માનવચિત્તનાં ગૂઢ સંચલનોને સમર્થ રીતે આલેખતી ‘પાંચમો દાવ’, ‘સાત પાતાળ’, ‘ગૃહ પ્રવેશ’ જેવી વાર્તાઓ નોંધપાત્ર છે. સંગ્રહની કેટલીક વાર્તાઓ ભવિષ્યમાં લખાનારી વાર્તાઓની પૂર્વભૂમિકારૂપ છે. લેખક આ વાર્તાઓમાં સ્થૂળ ઘટનાઓ પર ભાર આપવાને બદલે ઘટનાના હા્સ કે તિરોધાન પર ભાર આપે છે. અલબત્ત, એમાં સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભનું સંપૂર્ણ નિગરણ કરવામાં આવેલું નથી. પોતાની રચનાપ્રક્રિયાનો પરિચય કરાવતા, સંગ્રહના આરંભે મૂકવામાં આવેલા લેખમાં પ્રગટ થતી, ટૂંકીવાર્તા વિશેની લેખકની સૈદ્ધાન્તિક ભૂમિકાનો મેળ એમના સર્જન સાથે મળે છે. આ વાર્તાઓમાં ટેકનિક ઉપર ભાર આપવામાં આવ્યો હોવાને કારણે અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા ગદ્યના માધ્યમનો અહીં સમુચિત ઉપયોગ થયો છે. સુરેશ જોષી વાર્તાઓને જૂથમાં રચાતા હોવાથી નીવડેલી વાર્તાઓને સમજવા માટે આ વાર્તાઓ ઉપયોગી ભૂમિકા પૂરી પાડે છે. -શિરીષ પંચાલ છિન્નપત્ર (૧૯૬૫) : સુરેશ જોષીની સીમાચિહ્નરૂપ લઘુનવલ. લેખકે એને ‘લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો’ તરીકે ઓળખાવી છે. અહીં કથાનાયક પોતાનાં સંવેદનોની ઉત્કટતાને કારણે આસપાસની ક્ષયિષ્ણુ સંસ્કૃતિથી અળગો પડી ગયો છે અને ટકી રહેવા પોતાપૂરતું એક વિશ્વ ઉપજાવી લે છે. પચાસ પત્રો અને પરિશિષ્ટ ધરાવતી આ લઘુનવલ લિરિકલ નૉવેલના દષ્ટાંતનો તેમ સર્જનાત્મક ગદ્યનો નમૂનો પૂરો પાડે છે. સમસામયિક વાસ્તવિકતા કે ચોક્કસ સ્થળકાળ સાથે સંબંધ ન ધરાવતી, પાત્રોની આંતરચેતનાને તાગવા મથતી આ કથાનું વિભાગન કાવ્યરૂપે થયું છે. -શિરીષ પંચાલ ઇતરા (૧૯૭૩) : ‘પ્રત્યંચા’ પછીનો સુરેશ જોશીનો અઢાર શીર્ષક રહિત કાવ્યોહનો સંગ્રહ. પહેલું કાવ્ય રવીન્દ્રનાથને અપાયેલી અંજલિ છે, જ્યારે બાકીનાં મોટા ભાગનાં કાવ્યો રોમેન્ટિક ધારાનાં છે. કાવ્યોના કેન્દ્રમાં કૃત્રિમ નગરજીવન, વિફળ પ્રેમ, એકલતા, શૂન્યતા, વિરતિ અને હતાશા છે. સૌથી વધુ જાણીતા થયેલા કાવ્ય ‘એક ભુલા પડેલા રોમેન્ટિકનું દુઃસ્વપ્ન’નો નાયક સુરેશ જોશીની વાર્તાઓના નાયકના ગોત્રનો છે. આ સર્વ કાવ્યોમાં પ્રયોજાયેલાં ઘણાં કલ્પનો ભયાનકતાની અનુભૂતિ કરાવવામાં ઠીક ઠીક સફળ થયાં છે. ઘણાં કાવ્યોની શૈલી કલ્પનવાદી, પ્રતીકવાદી તો ક્યારેક અતિવાસ્તવવાદી પણ છે. કાવ્યપદાવલિ બહુધા તત્સમ રહી છે. -શિરીષ પંચાલ કિંચિત્ (૧૯૬૦) : સુરેશ હ. જોષીનો વિવેચનસંગ્રહ. દશેક જેટલા લેખો પરંપરાના વિવેચનથી જુદો ચમકારો બતાવે છે. કાવ્યમીમાંસાના પ્રશ્નોની એમાં ચર્ચા છે અને બૌદ્ધિક જાગૃતિની વાટને સંકોરવાનો પ્રયત્ન છે. પરંતુ આધુનિક ચેતનાના પ્રવેશ સાથે કરેલો ‘કાવ્યનો આસ્વાદ’નો ઉઘમ કે ‘પ્રતીકરચના’ ને સર્જનપ્રક્રિયાના પ્રકાશમાં વિશદ રીતે ઉકેલવાનો ઉપક્રમ અત્યંત મહત્વનું પ્રદાન છે. ‘વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ’ પણ દિશા બદલનારો પ્રભાવ દર્શાવે છે. વળી, ‘પથેર પાંચાલી’ જેવી ફિલ્મ પરનું લખાણ પણ આસ્વાદ્ય રીતે વિવરણાત્મક બન્યું છે. ગુજરાતી સાહિત્યમાં આ વિવેચકની ચેતનાથી આવેલા વળાંકની સમર્થન-સામગ્રી આ લેખોમાં પડેલી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા કાવ્યચર્ચા (૧૯૭૧) : સુરેશ જોશીના આ ચોથા વિવેચનસંગ્રહમાં કાવ્યને લગતા ૨૧ લેખોને ચાર વિભાગમાં અને એક પરિશિષ્ટમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા વિભાગમાં કાવ્યને લગતી સિદ્ધાંતચર્ચા; બીજા વિભાગમાં ગુજરાતી કાવ્યવિવેચનના કેટલાક પ્રશ્નો પર વિચારણા; ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય અને ભારતીય કવિતા વિશેના અભ્યાસલેખો; ચોથા વિભાગમાં જીવનાનંદદાસની તથા વિંદા કરંદીકરની કવિતા પરના આસ્વાદલેખો છે; તો પરિશિષ્ટમાં રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ રજૂ કરાઈ છે. પ્રભાવવાદી વિવેચનના વર્ચસે અને મર્યાદિત રુચિએ ગુજરાતી કાવ્યવિવેચનને અને ગુજરાતી કવિતાને કેવી રીતે કુંઠીત કર્યાં તેનો સારો આલેખ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અહીં સુરેશ જોશીનો અભિગમ રુપરચનાવાદી છે; એટલું જ નહિં, કાવ્યનો સાચો આસ્વાદ કૃતિને કેન્દ્રમાં રાખવાથી જ થઈ શકે છે, એ અભિગમનું પણ નિદર્શનો સાથે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. -શિરીષ પંચાલ કથોપકથન (૧૯૬૯) : સુરેશ જોષીના આ વિવેચનગ્રંથમાં કથાસાહિત્ય વિશેના ૧૮ લેખો પાંચ વિભાગોમાં વહેંચાયેલા છે. પહેલા વિભાગમાં સૈદ્ધાંતિક લેખો છે. એમાંના ‘નવલકથા વિશે’ નિબંધે ગુજરાતી કથાસાહિત્યના વિવેચનના પ્રશ્નોને પહેલી વખત યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપ્યા છે. બીજા વિભાગના ગુજરાતી નવલકથા વિશેના લેખોમાં એમણે ગુજરાતી નવલકથા પ્રત્યેના પોતાના તીવ્ર અસંતોષનાં કારણો વિગતે ચર્ચ્યા છે. ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય નવલકથા વિશેના, ચોથા વિભાગમાં ટૂંકીવાર્તાની રચનાકાળ તથા ગુજરાતી ટૂંકીવાર્તા વિશેના, તો છેલ્લા વિભાગમાં પાશ્ચત્ય ટુંકીવાર્તા વિશેના આસ્વાદ્ય લેખો છે. સુરેશ જોષી નવલકથાને શુદ્ધ સાહિત્યસ્વરુપ બનાવવાના આગ્રહી હોવાથી આ લેખો ઠીકઠીક ચર્ચાસ્પદ બન્યા છે. પાશ્રત્ય નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓના પરિશીલને એમની રુચીને ઘડી છે, એટલે ગુજરાતી કથાસાહિત્યને એ વિશ્વસાહિત્યના સંદર્ભમાં મૂલવે છે. રૂપરચનાવાદી અભિગમ ધરાવતા આ વિવેચનગ્રંથે નવલકથા અને ટૂંકીવાર્તાના પ્રશ્નોને શુદ્ધ સાહિત્યિક સંદર્ભમાં રજૂ કર્યા છે એ તેની મહત્વની સિદ્ધિ છે. -શિરીષ પંચાલ વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી