સવિશેષ પરિચય:
ફોટો: ઉમાશંકર જોશી
જોશી ઉમાશંકર ‘વાસુકિ’, ‘શ્રવણ’
(૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮), કવિ, વાર્તાકાર, નવકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં
કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાકોરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં
ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઇન્ટર આટર્સ વખતે સત્યાગ્રહીની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી,
૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઈતિહાસના વિષયો સાથે બી.એ. ૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ
હાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં
‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી
ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના પણ કુલપતિ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ.
૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૮માં ગુજરાત સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ. ૧૯૫૨માં ચીન, જાવા,
બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં મહીડા પારિતોષિક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક,
૧૯૬૫માં ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક, ૧૯૬૮માં કન્નડ કવિ. કે. વી. પુટપ્પા સાથે વહેંચાઈને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લેન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્,
આશાન પુરસ્કાર, કેન્સરથી મુંબઈમાં અવસાન.
સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં તત્કાલીન ચેતનાનું સ્વસ્થ પ્રજ્ઞા અને ભાવપરક ઈન્દ્રિયગ્રાહિતાથી સૌન્દર્યનિષ્ઠ રૂપાંતર કરનાર ગાંધીયુગના આ અગ્રણી સર્જક છે. મુક્તકના ચમત્કૃતિપૂર્ણ લઘુફલકથી માંડી પદ્યરૂપકના નાટ્યપૂર્ણ
દીર્ઘફલકનું કલ્પનાસંયોજન દર્શાવતી એમની કાવ્યરચનાઓ, ગ્રામીણ સ્તરેથી ઘટનાને ઊંચકી બોલીનાં સંવેદનો પ્રસારતી એમની નાટ્યરચનાઓ, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકીવાર્તાઓ,
હૃદયની વિવિધ છબીઓ આપતાં એમનાં નિબંધો અને વ્યક્તિચિત્રો, સહૃદયસંવિદનો સતત વિકાસ દર્શાવતાં એમનાં વિવેચન-સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યને થયેલું વિશિષ્ટ પ્રદાન છે.
ઉમાશંકરની ગાંધીદર્શનથી પ્રભાવિત ભાવોત્કટ કવિતા સંસ્કૃતિનાં બૃહદ્ પરિમાણોને લક્ષ્ય કરીને ચાલી છે ને સત્યાગ્રહની છાવણીઓ તેમ જ જેલોથી શરૂ કરી વિદેશના સાંસ્કૃતિક સમાજો સુધી એ વિસ્તરી છે. શબ્દવિન્યાસ અને
અર્થવિન્યાસ સાથે રહસ્યવિન્યાસના હિલ્લોલરૂપ લયને સેવતી એમની કવિતા આત્માની માતૃભાષા થવા ઝંખી છે; અને તેથી મનુષ્યના આંતરબાહ્ય સકલસંદર્ભને બાથમાં લેવાની જીવનદષ્ટિ એમાં અનુસ્યૂત અને ક્યારેક
અગ્રવર્તી રહી છે. એમનું પ્રથમ કાવ્યપુસ્તક ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧) છ ખંડોમાં વહેંચાયેલું, ગાંધીયુગનો અને ગાંધીજીનો મહિમા કરતું વિશિષ્ટ અર્થમાં ખંડકાવ્ય છે. સુશ્લિષ્ટ આયોજનનો અભાવ છતાં ભાવોદ્રેક અને ગૃહીતના
પ્રતિપાદનનો ઉત્કર્ષ ધ્યાન ખેંચે છે. જીવનનું નિયામક તત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે અને તેથી આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની ઇમારત અહિંસા અને શાંતિ પર ખડી કરવાની નેમનો અહીં વિસ્તાર છે. આસ્વાદ્ય કાકુઓ અને
કહેવત કક્ષાએ પહોંચતી કેટલીક ઉક્તિઓનો બંધ આ કાવ્યને કેટલુંક સ્થાપત્ય અર્પણ કરે છે. ‘ગંગોત્રી’ (૧૯૩૪)માં તત્કાલીન ગુજરાતના વિશિષ્ય જીવનનું પ્રતિબિંબ ઝિલાયું છે. ભારતીય નવોત્થાનને કારણે ઊભા થયેલા
સંઘર્ષના અને સ્વતંત્ર્યઝંખનાના પ્રબળ ઉદગારો વચ્ચે વિશ્વપ્રેમનો મર્મ એમની અનેક કૃતિઓમાં ધબકતો જોવાય છે. એમાં સમાજાભિમુખતા અને વાસ્તવાભિમુખતાના વિવિધ આવિષ્કારો પ્રગટ થયા છે. ‘બળતા પાણી’, ‘પીંછું’,
‘સમરકંદ બુખારા’ કે ‘જઠરાગ્નિ’ જેવી રચનાઓની સિદ્ધિ ધ્યાનપાત્ર છે. ‘નિશીથ’ (૧૯૩૯)માં સમાજ અને વાસ્તવની તત્કાલીનતાને અતિક્રમી જીવનનાં શાશ્વતમૂલ્યોના અમૂર્ત કે નવીન આવિર્ભાવો તરફનું વલણ છે. માનવ
અસ્તિત્વનાં તેમ જ માનવ સંવિત્તિના જુદાં જુદાં પાસાંઓને પાદતત્વના આગવા પ્રયોગ સાથે અહીં સાકાર કરવાનો પ્રયત્ન થયો છે. ‘નિશીથ’, ‘વિરાટ પ્રણય’, ‘સદગત મોટાભાઈને’, ‘અન્નબ્રહ્મ’, ‘આત્માનાં ખંડેર’ આદિ એના
ઉત્તમ નમૂનાઓ છે. ચિંતનશીલતા અને સંવેદનશીલતાથી રસાયેલી કવિતા અહીં ગુજરાતી ભાષાની મહત્વની સિદ્ધિઓ બતાવે છે. લયબદ્ધ ગીતોની સંખ્યા પણ સંગ્રહનું આગવું આકર્ષણ છે. ‘પ્રાચીના’ (૧૯૪૪) કાવ્યસંગ્રહ
‘ત્રીજા અવાજ’ તરફ વળેલો છે. એટલે કાવ્યના નાટ્યરૂપનો શોધ પ્રસંગકાવ્યોમાંથી કવિને સંવાદકાવ્યો તરફ, પદ્યરૂપકો તરફ લઈ ગઈ છે. પાત્રોના સંવાદોમાંથી ઊભો થતો ઘટનાનો સંઘર્ષ રહસ્યદોરથી અવલંબિત છે.
પ્રાસબદ્ધ છંદોવિધાન નિરૂપણની તીક્ષ્ણતા અને વેગને ઉપસાવવામાં ક્યાંક કારગત નીવડ્યું છે. અહીં મહાભારત, ભાગવત અને જાતકકથામાંથી ઘટના ગૂંથીને સાત પદ્યરૂપકો મૂકેલાં છે. ક્રિયાત્મકતા કરતાં ભાવાવિષ્કાર એનું
મુખ્ય લક્ષ્ય છે. સાંપ્રત જગતથી દૂરના અતીતમાં હટીને અને વ્યક્તિજગતથી દૂર ઊર્મિનિરપેક્ષ વસ્તુજગતમાં ખસીને કવિતા અવતારવાનો આ પુરુષાર્થ પ્રગલ્ભ છે. ‘આતિથ્ય’ (૧૯૪૬)માં જુદા જ અનુભવો અંગેનાં કાવ્યગુચ્છો
સંગ્રહાયાં છે. લલિતકલાઓ અંગેનું – એમ વિવિધ કાવ્યગુચ્છો તથા ‘નારી : કેટલાક રૂપો’ અંગેનું સોનેટગુચ્છ અને સરવડાં અંગેનું ગીતોનું ગુચ્છ ધ્યાનપાત્ર છે. ‘વસંતવર્ષા’ (૧૯૫૪), સ્વાતંત્ર્યોત્તર જીવનની પ્રસન્નતા અને
કરુણતાને ઝીલે છે. ‘હીરોશીમાની’ નૃશંસ હત્યાથી છેક ‘રડો ન મુજ મૃત્યુને’ની ગાંધીહત્યાને સમાવતી કવિની સંવેદના ‘મુર્દાની વાસ’ને સહેવા છતાં ‘મનુષ્યપ્રેમ’ કે પૃથ્વીપ્રેમની શ્રદ્ધાને અકબંધ રાખે છે. તેથી જ ઋતુગીતો તેમ
જ ઋતુચિત્રોની ઇન્દ્રિયસંવેદ્ય છબીઓ ઉપસાવે છે. અહીં પચીસ જેટલાં આસ્વાદ્ય સોનેટોમાં ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો’ તેમાં એ સોનેટયુગ્મ પ્રસિદ્ધ છે. ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫)માં ‘પ્રાચીના’નું અનુસંધાન છે. અને નાટ્યકવિતાનું
આહવાન આગળ વધ્યું છે. મહાભારતમાંથી, રામાયણમાંથી અને બુદ્ધના જીવનમાંથી લીધેલા નાટ્યવસ્તુઓ પર આધારિત અહીં બીજાં સાત પદ્યરૂપકો સંગ્રહાયાં છે. સંવાદતત્વથી વધુ નાત્યતત્વ તરફ વળતી આ રચનાઓ
બોલચાલની ભાષાને છંદમાં વધુ પ્રવાહી બનાવી શકી છે. મંથરામાં નાટ્યક્ષણનો પ્રબળ ઉન્મેષ છે, તો ‘કચ’માં નાટ્યાત્મક એકોકિતનો બંધ ધ્યાનાર્હ છે. ‘અભિજ્ઞા’ (૧૯૬૭)માં ‘છિન્નભિન્ન’ છું જેવી રચના દ્વારા આ કવિએ
છંદોમુક્તિનો પ્રયોગ કરી ભવિષ્યમાં આવેલી પછીની કવિતાદિશા માટે વૈતાલિક કાર્ય કર્યું છે. અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ, લયમેળ ઉપરાંત ગદ્યના ટુકડાઓનો એમાં વિનિયોગ થયો છે. આ સંગ્રહમાં મુક્તપદ્ય અને
પદ્યમુક્તિના પ્રયોગોનો આરંભ થયો, તેમાં ‘મારી શોધ’, ‘રાજસ્થાનમાં પસાર થતાં’ અને ‘ગાડી ઘણા ગાઉ કાપે’ જેવી પરિપક્વ રચનાઓ મળી શકી છે. ‘ધારાવસ્ત્ર’ (૧૯૮૧) ‘માઈલોના માઈલો મારી અંદર’ જેવી અત્યંત સર્જક
અને પાસાદાર કૃતિ તો આપે જ છે, સાથે સાથે ‘ધારાવસ્ત્ર’ જેવી રહસ્યપૂર્ણ અને ‘એક ઝાડ’ જેવી સંવેદનપૂર્ણ કૃતિઓ પણ આપે છે. બાળકાવ્યો પહેલીવાર એક ગુચ્છ તરીકે અહીં મુકાયાં છે. કેટલીક રચનાઓ નૈમિત્તિક કે
પ્રસંગોચિત છે અને શીઘ્ર સંવેદનાઓ પર નભવા પ્રયત્ન કરે છે. ‘સપ્તપદી’ (૧૯૮૧) સાત રચનાઓનો સંગ્રહ છે. પચીસ વર્ષના લાંબા પટ પર આ ‘સપ્તપદી’ તૈયાર થઈ હોવાથી એમાં સર્જનની વિષમતા, સ્તરની
ઉચ્ચાવચતા અને અભિવ્યક્તિના તરીકાઓની અલગ અલગ અજમાયશો છે. વિશ્વપ્રેમ અને વ્યક્તિની અશાંતિનો દ્વિવિધ દોર આ રચનાઓને સાંકળે છે. ‘છિન્નભિન્ન છું’ ના ખેદથી ‘પંખીલોક’ના આનંદઘોષ સુધીની કવિની
આંતરયાત્રા સૌન્દર્યભાવ કરતાં ભાવસૌન્દર્યને અનુલક્ષીને થયેલી છે. ‘પંખીલોક’ સાતે કાવ્યોમાં સળંગ તાજગીનો અનુભવ કરાવે છે. ‘સમગ્ર કવિતા’ (૧૯૮૧)માં એમના દસ કાવ્યપુસ્તકોનાં બધાં કાવ્યોને સમાવવામાં આવ્યાં છે
અને અંતે ‘કાવ્યશીર્ષક સૂચિ’ તેમ જ ‘પ્રથમ પંક્તિ સૂચિ’ પણ આપવામાં આવી છે.
પાત્રગત ભાષાની ભિન્ન ભંગીઓ, વસ્તુનો આકર્ષક ઉઠાવ અને વિવિધ પરિસ્થિતિઓની કલ્પકતા દ્વારા એમણે એકાંકીને એક સુશ્લિષ્ટ ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો છે. સંઘર્ષ, વેગ, વિકાસ અને ભાષાના કસબની મુખ્યત્વે
સામાજિક કે રાજકીય ભૂમિકા પર સ્થિર એમની એકાંકીકલાએ સામાજિક ચેતનાની ઉપરવટ જવાનો પ્રયત્ન કર્યો છે. અહીં ભાવપરાયણતા અને વાસ્તવપરાયણતાનો તાણોવાણો માર્મિક કરુણતા અને સૂક્ષ્મ વિનોદથી ગૂંથાયેલો
છે. ‘સાપના ભારા’ (૧૯૩૬)માં અગિયાર એકાંકીઓ છે તેમાં સાબરકાંઠાના ઇડરિયા પ્રદેશની બોલીભંગીઓ અને ગ્રામીણ વાતાવરણ વચ્ચે નર્યા વાસ્તવલોકનાં પાત્રોની જીવંત સૃષ્ટિ છે. ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડણ
ચરકલડી’, મહત્વના એકાંકીઓ છે. ‘શહીદ’ (૧૯૫૧)માં બીજા અગિયાર એકાંકીઓ છે. એમાંના ગ્રામીણ ભૂમિકાવાળાં ત્રણેકને બાદ કરતાં બાકીનાં દેશની વ્યાપક પરિસ્થિતિઓને સ્પર્શે છે ને ક્યાં બુદ્ધિપૂર્વક હળવાશથી કામ લે
છે. ‘હવેલી’ (૧૯૭૭)માં અગાઉના શહીદ સંગ્રહનાં બધાં એકાંકીઓ ઉપરાંત ‘હવેલી’ અને ‘હળવા કર્મનો હું નરસૈયો’ જેવાં બે મૌલિક એકાંકીઓ તેમ જ યુરિપિડિસના ઈફિજિનિયા ઇન ટોરિસની અનૂદિત રચનાનો સમાવેશ
કરવામાં આવ્યો છે.
વતનના અનુભવોને અને વતનની ભાષાને સંવેદનશીલ તરીકાઓથી અખત્યાર કરી વિવિધ પાત્રસૃષ્ટિના માનસ પર કેન્દ્રિત થતી એમની ટૂંકીવાર્તાઓ સંયમિત રીતે મર્મને ઉઘાડે છે. એમાંય સ્ત્રીમાનસના સંસ્કારજગતનું નિરૂપણ
કરવામાં વરતાતી એમની કુશળતા પ્રશસ્ય છે. શ્રાવણી મેળો (૧૯૩૭)ની ‘પગલીનો પાડનાર’, ‘છેલ્લું છાણું’, ‘મારી ચંપાનો વર’ જેવી વાર્તાઓમાં ગુજરાતી વાર્તાસાહિત્યની વિશેષ સિદ્ધિ જોવાય છે. ઉપરાંત, ‘ત્રણ અર્ધુ બે’
(૧૯૩૮) અને ‘અંતરાય’ (૧૯૪૭) જેવા વચ્ચેના વાર્તાસંગ્રહોમાંથી જાળવવા જેવી પસંદ કરેલી બાવીસ વાર્તાઓનો સંગ્રહ ‘વિસામો’ (૧૯૫૯) પણ મળ્યો છે.
‘પારકાં જણ્યાં’ (૧૯૪૦) એમની એકમાત્ર નવલકથા છે. ત્રણ પેઢીની વાતના આલેખનમાં સળંગસૂત્રતા પૂરી જળવાઈ નથી અને તેથી બસો પાનની કૃતિ વિસ્તૃત ફલક પર અશ્લિષ્ટ રહી છે.
‘હૃદયમાં પડેલી છબીઓ’ (૧૯૭૭) ના બે ખંડોમાં છિન્નભિન્ન પ્રસંગે આલેખાયેલાં વ્યક્તિચિત્રો છે. વ્યક્તિત્વની ખાસિયતોને લસરકામાત્રથી ઝાલવા સાથે એમાં સમભાવ અને ઉષ્મા સંકળાયેલાં છે. ‘ઈસામુશિદા અને અન્ય’
(૧૯૮૬) પણ ‘હૃદયના હક્ક’થી લખાયેલાં, દેશપરદેશની દિવંગત વ્યક્તિઓનાં વસ્તુલક્ષી યથાર્થ ચરિત્રચિત્રણો છે. ‘ગાંધીકથા’ (૧૯૬૯) ચરિત્રમૂલક છે.
અંગતતાના સ્વાદવાળું અને વ્યક્તિત્વની હૂંફવાળું ગોષ્ઠિની કક્ષાનું નિબંધનું સ્વરૂપ ગદ્યની સ્વસ્થ અને લાઘવપૂર્ણ તાસીર ઉપસાવતું જોવાય છે. કવિતાવેડાથી દૂર એ ઝાઝું વાસ્તવની ભોંય પર મંડાયેલું છતાં ભાવપૂર્ણ છે. એમાં
હળવી ચાલની નિરાંત છે. ‘ગોષ્ઠિ’ (૧૯૫૧)માં આવા બાવીસ નિબંધો છે. તો, ‘ઉઘાડી બારી’ (૧૯૫૯) ૧૯૪૭ પછીનાં બાર વર્ષમાં ‘સંસ્કૃતિ’ના પહેલા પાન પર છપાયેલાં લખાણોમાંથી કુલ એકાણું લઘુલેખોનો સંચય છે.
કર્મયોગ, ચરિત્રો, પ્રકૃતિપ્રેમ, વિદ્યા, કલા, રંગભૂમિ, કેળવણી, લોકશાહી, ભારત અને જગતરંગ જેવાં ક્ષેત્રો પર ટૂંકી પણ દ્યોતક પ્રતિક્રિયાઓ ચિંતનગર્ભ છે.
સૌન્દર્યદષ્ટિ, સમભાવ અને બુદ્ધિમત્તાથી નિયંત્રિત ઉમાશંકરનું વિવેચન સંવેદનશીલ છે. અખા અંગેનો તેજસ્વી અભ્યાસ આપતો ‘અખો એક અધ્યયન’ (૧૯૪૧), ભાવકના છેડેથી સમુચિત ચિંતા કરતો ‘સમસંવેદન’ (૧૯૪૮),
મહાભારત જેવા પુરાણગ્રંથથી માંડી કાલિદાસ-રવીન્દ્રનાથની ચેતના સાથે અનુસંધાન કરતો ‘અભિરુચિ’ (૧૯૫૯), સાહિત્યનાં વિવિધ સ્વરૂપો પર મર્મગ્રાહી તારણો આપતો ‘શૈલી અને સ્વરૂપ’ (૧૯૬૦), મહત્વની કૃતિઓની
વિસ્તૃત આલોચના આપતો ‘નિરીક્ષા’ (૧૯૬૦), કવિ અને કવિતા અંગે મૌલિક નિરીક્ષણો આપતો ‘કવિની સાધના’ (૧૯૬૧), સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ કૃતિઓનો આત્મીયતાથી પરિચય આપતો ‘શ્રી અને સૌરભ’ (૧૯૬૩),
પરિચયાત્મક આલેખ આપતો ‘શેક્સપિયર’ (૧૯૬૪), કર્તાઓ અને કૃતિઓ તેમ જ સાહિત્યિક વીગતો પર પ્રકાશ પાડતા લઘુલેખો આપતો ‘પ્રતિશબ્દ’ (૧૯૬૭), પરિચયાત્મક ‘કવિતા વાચનની કલા’ (૧૯૭૧), ગુજરાતી તેમ
જ વિદેશી કવિઓ અને કવિતાઓ પર સ્વાધ્યાયલેખો આપતો ‘કવિની શ્રદ્ધા’ (૧૯૭૨), પ્રાર્થનાકાવ્યોનો આસ્વાદ આપતો ‘નિશ્રેના મહેલમાં’ (૧૯૮૬) વગરે એમના વિવેચનગ્રંથો છે.
એમના સંશોધન-સંપાદનના ગ્રંથોમાં ‘કલાન્ત કવિ’ (૧૯૪૨), ‘અખાના છપ્પા’ (૧૯૫૩), ‘મ્હારાં સોનેટ’ (૧૯૬૨), ‘દશમસ્કંધ - ૧’ (અન્ય સાથે, ૧૯૬૬), ‘અખેગીતા’ (અન્ય સાથે, ૧૯૩૭), ‘કાવ્યતત્વવિચાર’ (અન્ય, સાથે
૧૯૪૦), ‘વિચારમાધુરી’ (અન્ય, સાથે ૧૯૪૬), ‘દિગ્દર્શન’ (અન્ય સાથે, ૧૯૪૨), આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારકગ્રંથ (અન્ય સાથે, ૧૯૪૪), ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’ (અન્ય, સાથે ૧૯૬૧), ‘મડિયાનું મનોરાજ્ય’ (૧૯૭૦) પણ
એમનાં નોંધપાત્ર સંવેદનો છે.
‘પુરાણોમાં ગુજરાત’ (૧૯૪૬), ‘સમયરંગ’ (૧૯૬૩), ‘ઈશાન ભારત’ અને અંદામાનમાં ટહુક્યા મોર (૧૯૭૬), ‘ઓગણીસમો એકત્રીસમાં ડોકિયું’ (૧૯૭૭), ‘કેળવણીનો કીમિયો’ (૧૯૭૭) વગેરે એમના પ્રકીર્ણ ગ્રંથો છે.
એમણે આપેલા અનુવાદોમાં ‘ગુલે પોલાંડ’ (૧૯૩૯), ‘ઉત્તરરામચરિત’ (૧૯૫૦), ‘શાકુન્તલ’ (૧૯૫૫), ‘એકોત્તર શતી’ (અન્ય સાથે, ૧૯૬૩) મુખ્ય છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.
|