સાહિત્યસર્જક: વાડીલાલ ડગલી
સવિશેષ પરિચય:
વાડીલાલ ડગલી-ચંદ્રકાન્ત ટોપીવાળા શિયાળાની સવારનો તડકો (૧૯૭૫) : વાડીલાલ ડગલીનો અંગત નિબંધોનો સંગ્રહ. લેખકના અંગત જીવનની ઘણી હકીકતો અહીં વણાઈ ગઈ છે એ સાચું, પણ પોતાના અંગત જીવનને ખોલવું એ લેખકનો ઉદ્દેશ નથી. વાસ્તવમાં આ હકીકતો લેખકના મનમાં જે વિચારસંક્રમણ ચાલે છે તેને વ્યક્ત કરવાનું આલંબન બને છે; એટલે આપણે લેખકના ભાવવિશ્વથી ઓછાં, વિચારવિશ્વથી ઝાઝાં પરિચિત થઈએ છીએ. માતાપિતાના સંતાનો સાથેના સંબંધથી માંડી સંસ્કૃતિ, ધર્મ, સંસ્થાકીય નીતિરીતિઓ, વૈયક્તિક જીવનની ટેવો ઇત્યાદિ ઘણા વિષયો પરના લેખકના મૌલિક, પ્રેરક, ક્યારેક ઉત્તેજક ને છતાં વ્યવહારુ વિચારો જાણવા મળે છે. સમાજ અને રાષ્ટ્ર માટે ઊંડો પ્રેમ, મૂલ્યોના જતનની ચિંતા, નિર્ભીકતા અને નિખાલસતા એ લેખકના વૈચારિક ગુણો આ નિબંધોમાંથી પ્રગટ થાય છે. ‘ત્યાગની ટોપી’, ‘બાળકો માટે સમય ક્યાં છે ?’, ‘શિયાળાની સવારનો તડકો’, ‘આધ્યાત્મિકતાની શેખી’, ‘તાણનું સંગીત’, ‘મોંઘી સાદગી’, ‘હા-નો ભય’, ‘ના કહેવાની કળા’ ઇત્યાદિ લેખો આંના દ્રષ્ટાંત છે. સૂત્રાનત્મક ગદ્ય વિચારોની સચોટ અભિવ્યક્તિ અર્થે અહીં ઉપકારક નીવડ્યું છે. -જયંત ગાડીત થોડા નોખા જીવ (૧૯૮૫) : વાડીલાલ ડગલીનો સચિત્ર ચરિત્ર નિબંધોનો સંગ્રહ. અહીં દાદાસાહેબ માવળંકર, પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર, ગગનવિહારી મહેતા, સ્વામી આનંદ, એચ. એમ. પટેલ અને પંડિત સુખલાલજી જેવા ભારતીય તેમ જ થોમસ માન, ચાર્લી ચેપ્લિન, વિન્સ્ટન ચર્ચિલ, સોલ્ઝેનિત્સન, ફ્રેન્ક મોરાઈસ અને ટીટો જેવા વિદેશી મહાનુભાવોનાં ચરિત્રો સંગૃહીત છે. વ્યક્તિના જીવનપ્રસંગોનું પ્રેરણામૂલક નિરૂપણ અને સમગ્રતયા થતું ચરિત્રસંકીર્તન એ આ સંગ્રહની ધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે. -રમેશ ર. દવે વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી