અડાલજા વર્ષા મહેન્દ્રભાઈ/આચાર્ય વર્ષા ગુણવંતરાય
(૧૦-૪-૧૯૪૦): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. વતન જામનગર. ૧૯૬૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃતક સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી આકાશવાણી મુંબઈમાં
પ્રવકતા. ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ‘સુધા’ નાં તંત્રી. ૧૯૬૬ થી લેખન-વ્યવસાય.
‘શ્રાવણ તારાં સરવડાં’ (૧૯૬૮), વિયેટનામના ભીષણ નરમેઘને આલેખતી ‘આતશ’ (૧૯૭૬), ‘ગાંઠ છૂટયાની વેળા’ (૧૯૮૦), જેલજીવનના વ્યાપક ભ્રષ્ટાચારને આલેખતી ‘બંદીવાન’ (૧૯૮૬) સુવાચ્ય નવલકથાઓ છે. તે ઉપરાંત સુવાચ્ય
લઘુનવલોમાં ‘મારે પણ એક ઘર હોય’ (૧૯૭૧), ‘રેતપંખી’ (૧૯૭૪) અને ‘ખરી પડેલો ટહુકો’ (૧૯૮૩) સ્પર્શક્ષમ છે. ‘તિમિરના પડછાયા’ (૧૯૬૯)માં છિન્નભિન્ન બનતું માનવ્યક્તિત્વ તથા ‘એક પળની પરખ’ (૧૯૬૯)માં રજૂ થયેલી
અંતર્યાતના સ્પર્શે છે. ‘પગલાં’ (૧૯૮૩) એક સરસ રહસ્યકથા બની છે. ‘પાંચ ને એક પાંચ’ (૧૯૬૯) રહસ્મયકથાનું વિષયવસ્તુ આકર્ષક છે. તેમ જ ‘અવાજનો આકાર’ (૧૯૭૫), ‘છેવટનું છેવટ’ (૧૯૭૬) તથા ‘પાછાં ફરતાં’ (૧૯૮૧)
સુવાચ્ય રહસ્યકૃતિઓ છે. ‘નીલિમા મૃત્યુ પામી છે’ (૧૯૭૭)માં નાના નાના અંકોડા વડે કથાગૂંથણી થઈ છે. રહસ્યકથાઓના લેખનમાં એમણે પેરીમેસનનો પ્રભાવ ઝીલ્યો છે. ‘સાંજને ઉંબર’ (૧૯૮૩) અને ‘એ’ (૧૯૭૯) એમની
ટૂંકીવાર્તાઓના સંગ્રહો છે.
-દક્ષા વ્યાસ
રેતપંખી (૧૯૭૪): એક પાત્રની આસપાસ ફરતી, વર્ષા અડાલજાની લઘુનવલ. નાયિકા સુનંદા બીજવર જગમોહનદાસને પરણીને પૂર્વપત્નીના મૃતવ્યક્તિત્વની છાયામાં, શ્રીધર તરફના આકર્ષણમાં, વયસ્ક સાવકાં પુત્રપુત્રી
અમલા-વિનયના પ્રતિકારમાં અને કાકાની દીકરી બહેન તારાના પુનઃપરિચયમાં કઈ રીતે પોતાની વિવિધ સંબંધરેખાઓ ઉપસાવે છે એની મનોગતિનો અહીં આલેખ છે. માનસિક સ્તર પર પહોંચવા જતી આ લઘુનવલમાં ફિલ્મી મનો વિશ્લેષણ
પદ્ધતિના પડેલા ઓછાયા રોચક ન હોવા છતાં, સંવાદ કક્ષાએ એકંદરે જળવાયેલી તાજગી નોંધપાત્ર છે.