નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ
(૧-૬-૧૮૭૬, ૭-૧૨-૧૯૫૮) : નિબંધકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. કેળવણીનો આરંભ રા. બા. મગનભાઈ કન્યાશાળામાં. માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં. ૧૮૯૧માં
મૅટ્રિક. એમનાં નાના બહેન શારદાબહેન સાથે ગુજરાત કૉલેજમાંથી ૧૯૦૧માં બી.એ. ગુજરાતીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર સૌપ્રથમ આ બે બહેનો. ૧૮૮૯માં એમનું લગ્ન સર રમણભાઈ નીલકંઠ સાથે થયું. અમદાવાદની
સંખ્યાબંધ જાહેર સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં રહ્યાં. ગુજરાત વિદ્યાસભાનાં મંત્રી અને ૧૯૪૬માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા સંમેલનમાં પ્રમુખ. ૧૯૪૭ થી ગુજરાત સાહિત્ય સભાનાં પ્રમુખ.
પ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ સક્રિય. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેટલાક સમય સરકાર નિયુક્ત સભાસદ. ૧૯૨૬માં ‘કૈસરે હિન્દ’ નો ઈલકાબ.
એમણે દૈનંદૈનીય જીવનના પ્રસંગો લઈ નર્મમર્મયુક્ત હાસ્ય પ્રગટ કરતા નિબંધો આપ્યાં છે; તો સુશ્લિષ્ટ ચરિત્રાત્મક લેખો પણ આપ્યાં છે. એમની સ્વસ્થ અને શિષ્ટમિષ્ટ શૈલી આકર્ષક છે. ‘ફોરમ’ (૧૯૫૫)માં પોતાને
માર્ગદર્શક બનેલા સ્વજનો, સ્નેહીઓ અને સંબંધીઓનાં સ્મૃતિચિત્રો આલેખી એમણે સ્વ-અતીતને સજીવ કર્યો છે. એમણે ‘ગૃહદીપિકા’ (૧૯૩૧), ‘નારીકુંજ’ (૧૯૫૬) અને ‘જ્ઞાનસુધા’ (૧૯૫૭) જેવા લેખસંગ્રહો પ્રકટ કર્યા છે.
એમણે ‘પ્રો. ઘોંડો કેશવ ક્વે’ (૧૯૧૬) ચરિત્ર પણ લખ્યું છે. એમના છૂટક લેખોનો સમાવેશ ‘હાસ્યમંદિર’નાં થયો છે. એમણે રમેશ દત્તની વાર્તા ‘લેક ઑવ ધ સામ્સ’ નો ‘સુધાહાસિની’ (૧૯૦૭) નામે તથા વડોદરામાં
મહારાણીશ્રીએ અંગ્રેજીમાં લખેલ પુ્સ્તક ‘પોઝિશન ઑવ વિમેન ઈન ઈન્ડિયા’ નો ‘હિંદુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’ (૧૯૧૫) નામે અનુવાદ આપ્યા છે.