સાહિત્યસર્જક: વિશ્વનાથ ભટ્ટ
સવિશેષ પરિચય:
વિશ્વનાથ ભટ્ટ-જયંત ગાડીત સાહિત્યસમીક્ષા (૧૯૩૭) : વિશ્વનાથ મગનલાલ ભટ્ટનો ચૌદ વિવેચનલેખોનો સંગ્રહ. પ્રમાણમાં ટૂંકા હોય, વૈવિધ્ય જળવાયું હોય અને લેખકને જે ઉત્તમ લાગ્યા હોય તેવા આ લેખોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાનો અહીં પ્રયત્ન થયો છે. પહેલો ગુચ્છ સિદ્ધાંતચર્ચાનો, બીજો ગુચ્છ નર્મદયુગીન સાહિત્યના અભ્યાસનો, તો ત્રીજો ગુચ્છ સમકાલીન સાહિત્યનાં અવલોકનોનો છે. નર્મદ, દલપતરામ, નંદશંકર, નરસિંહરાવ, બોટાદકર, બળવંતરાય ઠાકોર, હરગોવિંદદાસ કાંટાવાળા વગેરે સાહિત્યકારો વિશે એમાં દ્યોતક સમીક્ષા છે. ‘વિવેચનનો આદર્શ’માં સત્યનિષ્ઠા, સ્વાતંત્ર્ય, તાટસ્થ્ય અને સમભાવના-એ ચાર અગત્યનાં લક્ષણો એમણે દર્શાવ્યાં છે તેનો વિનિયોગ આ ગ્રંથમાં જોઈ શકાય છે. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’માંની સાહિત્યવલણોની વિસ્તૃત ચર્ચા ધ્યાન ખેંચે છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા નિકષરેખા (૧૯૪૫) : વિશ્વનાથ મ. ભટ્ટનો વિવેચનગ્રંથ. ‘વિવેચન વિચાર’ ‘ગતકાલીન સાહિત્ય’, ‘સમકાલીન સાહિત્ય’, ‘વિદેશી સાહિત્ય’, ‘ગ્રંથેતર સાહિત્યસૃષ્ટિ’ વગેરે વિવેચનનાં વિવિધ પાસાંઓને નિરૂપતા ચૌદ લેખોનો અહીં સંગ્રહ છે. ભિન્નભિન્ન સાહિત્યપ્રકારોમાં ઉપેક્ષિત વિવેચનને સર્જનની સમકક્ષ ગણવા માટે કૌતુકરાગી વિવેચનના પુરસ્કર્તા આ લેખકે વિવાદાસ્પદ મુદ્દો છેડયો હતો એના ઘણાં મૂળ ‘વિવેચકની સર્જકતા’ અને ‘લોક ભોગ્ય વિવેચક’ લેખોમાં પડેલા છે. ‘સરસ્વતીચંદ્ર’ ને સમર્થ રીતે મૂલવતો ‘પંડિતયુગનું મહાકાવ્ય’ લેખ નોંધપાત્ર છે. સુદીર્ઘતાની મર્યાદા હોવા છતાં આ લેખોની ઊર્મિલક્ષિતા અને સોંદર્યલક્ષિતા અનુપ્રેક્ષણીય છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી