વ્યાસ યોગેન્દ્ર ધીરુભાઈ
(૬-૧૦-૧૯૪૦) : નવલકથાકાર, ભાષાવિદ. જન્મસ્થળ અમદાવાદ. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૬૩થી ૧૯૬૬ સુધી એમ.
એમ. શાહ મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને આચાર્ય. ૧૯૬૬થી ૧૯૬૮ સુધી સરસપુર આટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને ૧૯૬૮-૬૯માં ત્યાં જ આચાર્ય. ૧૯૬૯થી ૧૯૮૦ સુધી ભાષાવિજ્ઞાનના વ્યાખ્યાતા. ૧૯૮૦થી
ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાવિજ્ઞાનના રીડર.
‘બે કિનારાની વચ્ચે’ (૧૯૮૨) અને ‘કૃષ્ણજન્મ’ (૧૯૮૩) એમની લઘુનવલો છે. ‘ભીલીની કિશોરકથાઓ’ (૧૯૭૬) અને ‘મનોરંજક બોધકથાઓ’ (૧૯૭૯) એમનું બાળસાહિત્ય છે.
‘ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ’ (૧૯૬૭), ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (૧૯૭૪), ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (૧૯૭૫), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૭૭), ‘ભાષા વિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ’ (૧૯૭૯),
‘સામાજિક ભાષાવિજ્ઞાન’ (૧૯૮૩) વગેરે એમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે.