સાહિત્યસર્જક: ઝવેરચંદ મેઘાણી
સવિશેષ પરિચય:
ફોટો: ઝવેરચંદ મેઘાણી-જયંત ગાડીત યુગવંદના (૧૯૩૫) : સોરઠી લોકગીતોની તાજગી અને ક્યાંક કવિતાનો બુલંદ નૈસર્ગિક આવિષ્કાર આપતો ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ. અહીં કવિકર્મમાં બાઉલ ગીતકારો અને પછી સૌરાષ્ટ્રના ભાટ-ચારણો, બારોટો, ભજનિકો, ખારવાઓના સૂરના સંસ્કારો ગૂંથાયેલા છે તો સાથે સાથે ગાંધીવાદ-સમાજવાદથી પ્રેરિત યુગસંવેદનો પણ ઝિલાયેલાં છે. લોકગીતો, લોકસૂરો અને લોકઢાળોએ મેઘાણીની કાવ્યપ્રવૃત્તિને વિપુલ રીતે વેગ આપ્યો છે. એમની રચનાઓ પાછળ લોકસંગની વ્યાપક એષણા પડેલી છે. એમાં પત્રકારત્વની શીઘ્રતા અને સમયના તકાજાનો સમન્વય પણ જોઈ શકાય છે. તત્કાલીનતા, ઐતિહાસિકતા, પ્રસંગાનુરૂપતા મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘યુગવંદના’, ‘પીડિતદર્શન’, ‘કથાગીતો’, ‘આત્મસંવેદન’, ‘પ્રેમલહરીઓ’- એમ કુલ પાંચ ખંડમાં વહેંચાયેલો આ સંગ્રહ ‘છેલ્લો કટોરો’, ‘કસુંબીનો રંગ’, ‘સૂના સમદરની પાળે’ જેવી યશસ્વી રચનાઓ આપે છે. એમાંય ‘સૂના સમદરની પાળે’માં લોકગીતનો લય સર્જકકક્ષાએ ચઢી કાવ્યની રમ્ય આકૃતિ કંડારી આપે છે. આ ઉપરાંત રવીન્દ્રનાથની અને દ્વિજેન્દ્રનાથની કૃતિઓના તેમ જ અંગ્રેજી કૃતિઓના રોચક અનુવાદો પણ અહીં છે. ‘કોઈનો લાડકવાયો’ ઉત્તમ અનુવાદનું ઉદાહરણ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા માણસાઈના દીવા (૧૯૪૫) : ઝવેરચંદ મંઘાણીનો, ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહાવટિયા-લૂંટારુઓનાં જીવન પર આધારિત પ્રસંગચિત્રોનો ગ્રંથ. આ પ્રસંગો-ઘટનાઓ લેખકે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ પરથી અને તેમના મુખેથી સાંભળીને આલેખ્યાં છે. મહારાજની ભાષા-શૈલીને પ્રસંગ-આલેખનમાં વણી લઈ અને પોતાનાં અંગત સંવેદનોને આલેખનમાં ભળવા ન દઈને લેખકે આ પ્રસંગચિત્રોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુનેગાર ગણાતી આ કોમની અંદર પણ માણસાઈનું તત્વ કેવું પડેલું છે એ પ્રગટ કરવા તરફ જેમ લેખકનું લક્ષ્ય છે તેમ એ કોમની માણસાઈને પ્રગટ કરતા મહારાજનું-ગાંધીપ્રભાવિત અહિંસક ને નિઃસ્વાર્થ લોકસેવકનું- વ્યક્તિત્વ ઉપસાવવા તરફ પણ રહ્યું છે. -જયંત ગાડીત સોરઠ તારાં વહેતાં પાણી (૧૯૩૦) : ઝવેરચંદ મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણપ્રધાન નવલકથા, ‘નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ’ એવી આ કથામાં નાયક આખો જનસમાજ છે. કેટલીક જીવતી વ્યક્તિઓની છાયા અહીં પાત્રો પર પડેલી છે; પરંતુ એકંદરે ઐતિહાસિકતા, સામાજિકતા અને તળપદાપણાને સંયોજિત કરી વાતાવરણને ઉપસાવવાનો પ્રયત્ન જ પ્રમુખ રહ્યો છે. ઈડરના બ્રાહ્મણ મહીપતરામની ભેખડગઢમાં થયેલી નિમણૂકથી શરૂ થઈ આગળ વધતી ને છેવટે એના દૌહિત્રથી અંત સુધી પહોંચતી આ કથાનું વસ્તુવિધાન પાંખુ છે; છતાં ગોરાનાં દમન અને દરબારોના જુલમ વચ્ચે જીવતી પ્રજાની આંતરબાહ્ય જીવનરીતિ અને એનું રાચરચીલું રંગદર્શી શૈલીમાં રસ જમાવે છે. વીગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે એવા અભિગમ સાથેનો, જનસમૂહનો એવો ઇતિહાસ લોકકથાનાં ઘટકોના સંયોજનથી અહીં જીવંત બન્યો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વેવિશાળ (૧૯૩૮) : સોરઠના તળપદા સમાજજીવનને સ્પર્શતી ઝવેરચંદ મેઘાણીની નવલકથા. ધનિક ચંપકશેઠ પોતાના નાના ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે સુખલાલ સાથે થયેલું વેવિશાળ ફોક કરવા મથે છે અને એમની ચાલને સુશીલા, સુખલાલ, ભાભુ અને ખુશાલ નિષ્ફળ બનાવે છે એનું કથાનક રસવાહી હોવા છતાં એમાં ઘટનાઓની પ્રતીતિકરતા ઓછી છે; તોપણ એકંદરે નવલકથા સુગ્રથિત છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા સૌરાષ્ટ્રની રસધાર – ભા. ૧ થી ૫ (૧૯૨૩-૧૯૨૭) : લોકસાહિત્યસંશોધનના પરિણામરૂપે પ્રાપ્ત થયેલા ઝવેરચંદ મેઘાણીના આ ગ્રંથોમાં કાઠિયાવાડની-સૌરાષ્ટ્રની પિછાન આપવાનો, પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દને પ્રગટ કરવાનો અભિલાષ છે. કેવળ પ્રાંતીય અભિમાનનું નહિં, પણ લોકસાહિત્યના ખંતનું એમાં બળ છે. સૌરાષ્ટ્રની શૌર્યવંતી વ્યક્તિઓના ઇતિહાસ અને એમનાં કૌવત રજૂ કરતી, અહીં ગ્રંથસ્થ થયેલી સો જેટલી કથાઓમાં યુદ્ધશોર્ય, પ્રેમવેર અને દગાવફાદારીને ઘણું ખરું કથ્ય કથાના અંશોથી, ત્વરિત-ગતિચિત્રોથી અને ભરપૂર રંગદર્શિતાથી ઉપસાવ્યાં છે. કથાઓ, લેખકનાં પુનઃસર્જનો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા રઢિયાળી રાત – ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨) : ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલા લોકગીતોના આ ચાર સંચયો ૧૯૭૩ ની નવી આવૃત્તિથી બે ભાગમાં પ્રાપ્ય છે. એમાં ગીતોની વિષયવાર ફેરગોઠવણી કરવામાં આવી છે. પહેલા ભાગમાં દાંપત્ય, ઈશ્કમસ્તી, વિનોદ, કજોડાં, કુટુંબસંસાર, દિયરભોજાઈનાં ગીતો તેમ જ હાલરડાં અને બાલગીતો છે; જ્યારે બીજા ભાગમાં રાસ, રાસડા, કાનગોપી, ઋતુગીતો, જ્ઞાનગીતો, રમકડાં, ઇતિહાસગીતો, ગીતકથાઓ અને નવરાત્રિનાં જોડકણાં છે. ઉપરાંત અંતે લોકશબ્દોનો કોશ પણ જોડેલો છે. લોકગીતો પર ઉદ્યમ કરવા માગતા અભ્યાસી માટે આ સંચય નગદ કાચી સામગ્રી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા લોક સાહિત્યનું સમાલોચન (૧૯૪૬) : ઝવેરચંદ મેઘાણીએ ૧૯૪૩માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે લોકસાહિત્ય પર આપેલાં પાંચ વ્યાખ્યાનોનો ગ્રંથ. ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રકટાવનારાં સંસ્કારબળો’ , ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવન સ્ત્રોત’ અને ‘સર્વતોમુખી સમુલ્લાસ’- એ અહીં વ્યાખ્યાન-વિષયો છે. પ્રથમ વ્યાખ્યાનમાં કથ્ય ભાષાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીને પ્રાંતપ્રાંતના લોકસાહિત્યની તુલનાત્મક રીતે વિચારણા થઈ છે; બીજા વ્યાખ્યાનમાં લોકસાહિત્યને જન્મ આપનારી તળપદી સોરઠી સંસ્કારિતાનો પરિચય અપાયો છે; ત્રીજા વ્યાખ્યાનમાં ગુર્જર લોકસાહિત્યના અન્વેષણ-વિવેચનનો ઇતિહાસ છે; ચોથા વ્યાખ્યાનમાં લોકકવિતા અને કવિસર્જિત કવિતાના નિરૂપણમાં રહેલો ભેદ દર્શાવાયો છે; તો પાંચમા વ્યાખ્યાનમાં લોકસાહિત્યના વિવિધ પ્રકારોનું દિગ્દર્શન છે. આ વ્યાખ્યાનોમાં લેખકનો લોકસાહિત્ય પ્રત્યેનો પક્ષપાત વિશેષરૂપે પ્રગટ થતો દેખાય, છતાં લોકસાહિત્યના સ્વરૂપની આટલી વ્યવસ્થિત ચર્ચા ગુજરાતી સાહિત્યવિવેચનમાં એ પૂર્વે કે પછી થઈ નથી એ દ્રષ્ટિએ આ ગ્રંથનું ઘણું મૂલ્ય છે. -જયંત ગાડીત વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી