વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

ગઝલ

- આદિલ મન્સૂરી


શરીર છોડીને નીકળ બહાર પડછાયા
પડી ગઈ છે હવે તો સવ આર પડછાયા

ઉઘાડી ગેહરી ગુફાઓનાં દ્વાર પડછાયા
કરું છું ક્યારનો હું ઈન્તેઝાર પડછાયા

નથી જીવનને સમજવામાં સાર પડછાયા
તું મારી જેમ ન કરજે વિચાર પડછાયા

બધાય તલવારો તાણીને ઘેરી ઊભા છે
હું એકલો છું અને બેશુમાર પડછાયા

કદીક તારો ચહેરોય અમને જોવા દે
ને અંધકારનો બુરખો ઉતાર પડછાયા

અધૂરી ઈચ્છાની કાળી ડિબાંગ દીવાલો
ને એને ભેદી જતા આરપાર પડછાયા

તું તારા માટે જુદું સ્થાન રાખજે શોધી
અહીં અલગ છે બધાના મઝાર પડછાયા

હજી સુધી જે નિરાકાર થૈ રહ્યો આદિલ
પડે છે એના અહીંયા હજાર પડછાયા


('નવનીત સમર્પણ': ફેબ્રુઆરી ૨૦૦૫)વાચનકક્ષમાં ઉમેરો: માર્ચ ૨૦૦૮

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.