વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પદ્ય: ગઝલ - રવીન્દ્ર પારેખ


તું જો કહે તો ફરતે હું ભીંતો ચણાવી દઉં,
જોવાની વાત હો તો ત્યાં બારી મુકાવી દઉં.
કેવો સમય ગયો હશે આ બંધ બારણે,
કે કોઈને થયું ન કે રસ્તો બતાવી દઉં.
રાતોની રાત વાત તો ચાલ્યા કરી છતાં,
સામે હતું ન કોઈ એક એને હટાવી દઉં.
હૈયેથી બાષ્પ ઊડતી આંખોમાં જઈ ઠરી,
તું જો કહે તો અબઘડી એને વહાવી દઉં.
મારામાં ટ્હેલવાની તું ઇચ્છા ભલે કરે,
એ તો કહે કે ક્યાં મને ખાલી કરાવી દઉં ?
ભૂલી જવાયએવી એ હદ તો હશેને ક્યાંક ?
એ જો જડે તો હું તને ચોક્કસ ભુલાવી દઉં.
નહિતર હવાને, પોતે છે તે યાદ ના રહે,
દીવો જ છું તો લાવને છાયા હલાવી દઉં.


(પરબ : ડિસેં ૨૦૦૪)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.