વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

માદળિયું

- ચીનુ મોદી


તું માદળિયું બાંધ નહીં કોટમાં
ઈલમની લકડીના તાનમાં ને તાનમાં
લેખાતો ચાલ્યો છે ભોટમાં
તું માદળિયું ..
રસ્તાનું આંતરડાં જેમ વળ્યું કોકડું
ને ઉકલ્યાનું રોજ લાગે ટાણું,
રાતોની રાતોની રાતો વીતીને છતાં
કૂકડો નથી કે નથી વ્હાણું;
કૂંડીનાં પાણીને સીંચી સીંચીને તે
ઠાલવ્યું છે ખાલી કથરોટમાં
તું માદળિયું ..
નામ જોગી હૂંડી તો લખવાનું કોણ છે?
કાચી પડી છે બધી પેઢી;
આંખો નીચોવ નહીં, નિસાસા નાખ નહીં,
લાગણીઓ મેલ નહીં રેઢી;
લાભ્યા લાભ્યા એમ લાગો છો લાખ
પણ, છેવટ જવાનો તું ખોટમાં
તું માદળિયું ..


('નવનીત સમર્પણ', ઑક્ટો.૨૦૦૫)વાચનકક્ષમાં ઉમેરો: ઑગસ્ટ ૨૦૦૮

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.