વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

નિરુદ્દેશે

- રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.

ક્યારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ,
ક્યારેક મને સાદ કરે છે
કોકિલ મધુર-કંઠ
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સહુ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ

જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે.

આ કાવ્યને દ્રશ્ય-શ્રાવ્યમાં માણોવાચનકક્ષમાં ઉમેરો: ફેબ્રુઆરી ૨૦૦૮

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.