વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પિતાજીને -

- મણિલાલ હ. પટેલ


(શિખરિણી)

તમે જીવ્યા એવું: ભરચક મહીસાગર સમું
હવે એને કાંઠે તવ શબ મૂકીને નમું નમું;
વહ્યાં પાણી કેવાં કઠણ કપરાં: તો ય મલકે!
તમારો ચહેરો - હું નજર ભરું ને હૈયું છલકે...

નદીનાં પાણી ખેતર પકવતાં, મોલ લણતા -
તમે દાદા સાથે, અમ પણ હતાં, પંખી ચણતાં;
હજી ઊભાં છે આ તટ પર જુવો ખેતર, -કહે:
'ગયો ભેરુ મારો'! પવન પણ થંભ્યો, નવ વહે...!

પખાળી કાયાને સરિત જળથી, શાંત કરવા
ઘણા સંતાપોથી હૃદય બળતું, આજ ઠરવા...
ક્પોલે ભાલે ને ઉર ઉપર અંઘોળ કરતા
નર્યા ઘીનો! અંતે શબ અગન મૂકી કરગતા...

ઉરે ઊઠે આંધી : ઘણું ય પજવ્યા માફ કરજો
તમારી પેઢી તો શુભશિવ પથે! શાંતિ ધરજો.


હતું રસ્તા માથે ઘર, ઘર હતું ડુંગર સમું;
તમે તેડી લાવો પથિક ઘરમાં, ને ખુશ થવું;
તમારે ઉમંગે જ્ગગમગી ઊઠે આંગણ બધું -
ન ખાધે રાજી તે, અતિથિ ખવરાવ્યે સુખ વધુ...
તમાકુ, બીડી ને સતત બનતી ચા ઘર વિશે
તમારી પેઢીની ગણતરી થતી'તી દશ દિશે!
ન હાર્યા કે થાક્યા: વિધૂર-ઘર મોટું કરવું'તું:
સદા ઝૂઝ્યા સામે પૂર, કરજ પૈ પૈ ભરવું'તું!
અજંપો રે'તો'તો મુજ તરફ; તે કારણ હશે -
'સમાજે છોડેલો, જીવતર સુખે કેમનું જશે?"
તમારી વાતો મેં અવગણી ઘણી, એ ખટકતું
રિવાજો પાળ્યા ના; અવનવું કરું, એ ય કઠતું.
પિતાજી, સંસારે સકળ સુખની વાત ભ્રમણા,
તમે જીવ્યા જાણે ઋતુ ઋતુની ના હોય ક્રમણા!!


('તથાપિ': સપ્ટે.નવેં.૨૦૦૫)વાચનકક્ષમાં ઉમેરો: ડિસેમ્બર ૨૦૦૮

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.