વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પદ્ય: કમાણીની આખરી મુલવણી - ઉશનસ


(શિખરિણી ગઝલ)
અહીં સુધી આવી જીવનનદીના અંત્ય તટથી
વિદાવેળા, શોચું જઉં, પણ નર્યો ખાલી હું નથી;
ન જાને શા માટે અહીં અવતર્યો છું ધરતીપે,
ગયો છું ભૂલીયે મૂળ ઘર , કશું યાદ જ નથી;
તને મેં તો ઢૂંઢ્યો અહીંથી ત્યહીં જ્યાં ત્યાં ભટકતાં,
મળ્યો તું, તે જાણે વીજળી, ગૂંચવી દે દમકથી;
થતું, જાણે મેં તો અમૃત જલધિ મંથન કીધું,
પરંતુ પામ્યો શું મૃગજલધિ મિથ્યા મથીમથી ?
ક્ષણું થાતું, આ તો અખિલ ભ્રમણા માત્ર અમથી;
કવીન્દ્રો, શાસ્ત્રીઓ પણ કહી શક્યા શું કથીકથી?
મુનીન્દ્રો મૂંગા તે અમથું નથી; એ વાચ્ય જ નથી;
ગયું કહેવા કોઈ કલમ પણ થંભી ગઈ 'ક'થી!
જવાની વેળે, લ્યો; ઉશ્નસ કમાણી મુલવતો;
દ્વિધામાં શોચે એ સડક : "કશું છે, છે, નથી, નથી."


(નવનીત-સમર્પણ : નવેં ૨૦૦૫)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.