સાહિત્યસર્જક: ધીરુબેન પટેલ
સવિશેષ પરિચય:
ફોટો: ધીરુબેન પટેલ-દક્ષા વ્યાસ વડવાનલ (૧૯૬૩) : ધીરુબહેન પટેલની નવલકથા. અનાથ અંજના એનાં ફૈબાને ત્યાં અભ્યાસાર્થે આવે છે અને ફૈબાની સમવયસ્ક પુત્રી રેખા અંજનાની ઈર્ષ્યાનો ભોગ થઈ પડે છે. અંજનાથી ત્રસ્ત એવી રેખાનો ઉછેર રેખા પાસે અંજનાના ખૂનનું પગલું ભરાવે છે. જેલમાં રહેતી રેખા કોઈને મળવા ઉત્સુક નથી. પોતાની બાળકીને ખરી વિગતો મળી રહે એ હેતુથી પોતાના અંતરમાં ઊઠેલી જ્વાલાઓરૂપી વેદનાની ગાથા એ સાધ્વીજીને ડાયરીરૂપે આપે છે. એક નારીના ચિત્તની મનોવ્યથા અહીં કેન્દ્રમાં છે. મનોવૈજ્ઞાનિક કથા વસ્તુવાળી નવલકથા તરીકે આ કૃતિ ઉલ્લેખનીય છે. -બળવંત જાની વાંસનો અંકુર (૧૯૬૮) : ધીરુબહેન પટેલની લઘુનવલ. કથાનાયક કેશવની નસોમાં સ્વાભિમાની માતા સુશીલાનું બંડખોર લોહી વહે છે. પતિને ઘરજમાઈ ન થવા દેતાં સુશીલાએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારેલી. પુત્રને જન્મ આપી એ મૃત્યુ પામેલી ત્યારે કેશવનો હવાલો દાદાજીએ લીધેલો. હવે કેશવે એમની પ્રતિકૃતિ બનવાનું હતું. કેશવ બળવો કરે છે, તે પણ દાદાજીની શૈલીએ જ ! અંકુર ખરો, પરંતુ તે વાંસનો જ. કેશવના લાગણીતંત્રના આઘાત-પ્રત્યાઘાત અને સાત્વિક સંઘર્ષનું સ્પર્શક્ષમ ઘટનાઓ, પ્રાકૃતિક સાદ્દશ્યો અને કલ્પનોને સહારે અહીં કલાપૂર્ણ નિરૂપણ થયું છે. દોહિત્ર કેશવ, જમાઈ મોતીલાલ અને દાદાજીનાં મનોગતને સૂચક રીતે વ્યક્ત કરતી કથનરીતિ, પાત્ર સામે પડકારરૂપે ઉપસ્થિત થતી ઘટનાઓ પરિસ્થિતિઓ, સંવેદનનો સાક્ષાત્કાર કરાવતાં કલ્પનો, લાઘવ અને વ્યંજના-આ સર્વથી કૃતિ કલાત્મક બની છે. -દક્ષા વ્યાસ વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી