સાહિત્યસર્જક: જયંતિ દલાલ
સવિશેષ પરિચય:
ફોટો: જયંતિ દલાલ-રમણ સોની જવનિકા (૧૯૪૧) : જયંતિ દલાલના, બાર એકાંકીઓના આ સંગ્રહમાં લેખકનું સૂક્ષ્મ જીવનનિરીક્ષણ માનવ-સંબંધોને સમજવાના એમના પ્રશ્નાકુલ અભિગમમાં વિશિષ્ટ રીતે નિરૂપાયું છે. પ્રથમ છ એકાંકીઓમાં સ્ત્રી-પુરુષ-સંબંધોનું, સ્ત્રીની હૃદયવિદારક મૂક વેદનાનું નિરૂપણ થયું છે. ‘પત્નીવ્રત’ અને ‘કજળેલાં’માં એ વેદના વધુ ધારદાર બની છે. ‘અંધારપટ’ યુદ્ધની પાર્શ્વ ભૂમિકા પર રચાયેલું, તખ્તાને નવું પરિમાણ આપતું પ્રયોગશીલ એકાંકી છે. ‘સરજત’ અને ‘અ-વિરામ’ ની લાંબી એકોકિતમાં-લાઘવયુક્ત ભાષામાં સફળ પ્રયોગશીલતાનું દર્શન થાય છે. તંત્રવિધાનની ચુસ્તતા, સંવાદોની સૂક્ષ્મ છટા તથા વેધકતા, માર્મિક લાઘવયુક્ત સચોટ સંવાદો, ભુલાઈ ગયેલી-ભુલાઈ જતી ગુજરાતી બોલચાલની ભાષા, રૂઢિપ્રયોગો તથા કહેતીનો યથોચિત ઉપયોગ, જીવનનું માર્મિક સંવેદન, પાત્રોનું વૈવિધ્ય, વિશેષ કરીને સ્ત્રીપાત્રોની તેજસ્વિતા, સૂક્ષ્મ કાર્યવેગ દ્વારા સર્જકને અપેક્ષિત એવા ‘વર્ટિકલ ડ્રિલિંગ’ દ્વારા સર્જાતી પરાકોટિ અને અંતે ડંખ મૂકી જતી ચોટ એ આ એકાંકીઓની વિશેષતા છે. સંગ્રહમાં ‘નેપથ્યે’ નામે મૂકેલો એકાંકીના તંત્રવિધાન વિશેનો લેખ અભ્યાસપૂર્ણ છે. -રવીન્દ્ર ઠાકોર ધીમુ અને વિભા (૧૯૪૩) : સત્યાગ્રહની પશ્ચાદભૂ પર લખાયેલી, પણ માનવમનની સંકુલતા પર લક્ષ્ય કેન્દ્રિત કરીને નવી દિશા ચીંધતી જયંતી દલાલની નવલકથા. આર્થિક જવાબદારી ઉઠાવવાની અશક્તિ, કર્તવ્યની લગની અને સમયના અભાવને કારણે સત્યાગ્રહી ધીમુ પરણવા ઈચ્છતો નથી, પરંતુ એની સભાઓમાં અચૂક હાજરી આપતી અને એના પ્રત્યે આકર્ષણ અનુભવતી વિભા એને પ્રેમાકુલ કરતી રહે છે. ધીમુ જેલમાં જતા વિભાને જીવન ખોઈ બેઠા જેવું લાગે છે, તો બીજી બાજુ તે છટકી જતા જીવનને પકડી રાખવા ફાંફાં મારે છે; અને છતાં ધીમુના લગ્નનો પ્રસ્તાવ તે સ્વીકારતી નથી, કેમ કે એને એવા સાહસ પાછળ સ્નેહ અને શ્રદ્ધાના બળની અપેક્ષા છે. ધીમુના સાંનિધ્યમાં તે મૃત્યુનો સ્વીકાર કરે છે. ધીમુની મનોદશાઓની જુદી જુદી ભૂમિકાઓ અહીં રચાયેલી છે, તો વિભાની વ્યક્તિતા આકાર લે છે એનાં વાણી, વર્તન અને દેખાવમાં. મનોવૈજ્ઞાનિક અભિગમને લઈને બંને પાત્રો સંકુલ બન્યાં છે. કથા સ્મૃતિધારારૂપે વહી આવી હોય અને ધીમુએ ડાયરીમાં એને શબ્દસ્થ કરી હોય એ રીતની ટેક્નિક સૂઝપૂર્વક યોજાયેલી છે. બૌદ્ધિકતા, સંવેદનપટુતા, યુગચેતનાની સમજ, માનવમનની જાણકારી, વસ્તુના અંશોની ઉચિત પસંદગી, શબ્દવિવેક, નિરૂપણરીતિ અંગેની સૂઝ-એમ, સારી નવલકથાના સર્જન માટે કેટકેટલી સજજ્તાની જરૂર પડે છે તેનો ખ્યાલ આ કૃતિ આપે છે. -ધીરેન્દ્ર મહેતા પાદરનાં તીરથ (૧૯૪૬) : ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કલ્પેલી એક ઘટનાને વર્ણવતી જયંતી દલાલની નવલકથા, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્ત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવે છે. અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમિયાન એક ગામનો માનવસમુદાય ઉત્તેજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવેસ્ટેશનને સળગાવી મૂકે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોકો પર એકાએક થતા અત્યાચારોમાં પ્રગટતી હિંસા અને વાસનાની પાશવી વૃત્તિ મોટા આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભોજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલ ને ઊંડી સમજ ધરાવતા ડૉકટર નગીનદાસ સમક્ષ ફોજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી રકમની લાંચના બદલામાં છોડવાનો પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિષ્ઠા ને સદ્-નિષ્ઠા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની કરુણા ડૉકટરના મનમાં દ્વિધા જગવે છે ને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને વેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજનો, સ્વરાજભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક ક્રાંતિવાદી યુવક કેદી જગુ સ્વમાનભેર જેલ વેઠવાનું પસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પશી ડોશી પણ પુત્રવત્સલતાથી સહેજ દ્વિધામાં જરૂર મુકાય છે પણ વિચલિત થતાં નથી. એક સ્વાર્થી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિનો, વચલા માણસો તરીકે ગેરલાભ લે છે. ન છૂટતા કેડીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કોઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે. એક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિડંબિત કરી મૂકતા સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે તે જીવનની ઊંડી સૂઝ ધરાવતા લેખકના કૌશલનો પરિચય આપે છે. રંગદર્શી ન બનતાં સ્વસ્થ ને વાસ્તવનિષ્ઠ રહેતી છતાં ઉત્તેજિત કરી શકતી સર્જકની પ્રભાવક ગદ્યશૈલીથી તેમ જ માનવમનની અનેકસ્તરીય ગતિવિધિનો આલેખ ઉપસાવી આપતી એમની વિશિષ્ટ કથનરીતિથી આ નવલકથા એક નોંધપાત્ર સાહિત્યકૃતિ બની છે. -રમણ સોની શહેરની શેરી (૧૯૪૮) : જયંતી દલાલનો નગરજીવન પરત્વેનાં નિરીક્ષણોનાં ગદ્યચિત્રોનો સંગ્રહ. દોરીબાંધી માનવતાનું સાદ્યંત, નખશિખ, સંપૂર્ણ દર્શન જયાં થાય છે તે શેરીના ઉદભવ ઇતિહાસનું, બહિરંગનું, તેમાં વસતા માનવીનાં માનવતા, લાચારી, કારુણ્ય, સંઘર્ષ આદિનું માનવીય, માનસશાસ્ત્રીય, વીગતભર્યુ નિરૂપણ ઘરાળુ ભાષામાં નિબંધ, લેખ અને વાર્તાસ્વરૂપે થયું છે. શેરીનો પીપળો, શેરીના નળ, ઉમરા-ઓટલા, ચાર-ચોકડી, પ્રાણીઓ-જંતુઓ, ફેરિયા, ઉત્સવો-શોક, શ્રદ્ધા-અશ્રદ્ધા તેમ જ શેરીનું લોકશાસન વગેરેનું નિજી ચિત્રાત્મક શૈલીમાં આલેખન છે. લેખકનાં શબ્દભંડોળ, ભાષાસામર્થ્ય, સચ્ચાઈ, હમદિલીની પ્રતીતિ કરાવતી આ કૃતિ અણદાવાદ શહેરની ગઈકાલ અને આજનો અચ્છો સામાજિક દસ્તાવેજ છે. -રવીન્દ્ર ઠાકોર કાયા લાકડાની, માયા લુગડાની (૧૯૬૩) : જયન્તિ દલાલના નાટ્યવિષયક ચૌદ વિવેચનલેખોનો સંગ્રહ. ‘પડદો ઊપડે છે ત્યારે’ એ લેખ જૂની રંગભૂમિની ભીતરી દુનિયાનો સ્વાનુભવસભર, અરૂઢ, ચિત્રાત્મક શૈલીમાં ચિતાર આપે છે. ત્યાર પછીના લેખોમાં નાટકનો હેતુ, નાટકની વ્યાખ્યા, નાટ્યાત્મક અનુભૂતિ, વ્યવસાયી રંગભૂમિનો ઇતિહાસ, બંધાયેલાં નાટ્યગૃહોનો ઇતાહસ અને તે પૂર્વેની પરિસ્થિતિ, રમણલાલ દેસાઈ, ડાહ્યાભાઈ ધોળશાજી આદિના નાટ્યલેખનની તટસ્થ આલોચનાઓ, એકાંકીનું તંત્રવિધાન, એમાં પ્રવેશયોજનાનું પ્રયોજન અને તેનાં ભયસ્થાનો, એકાંકીમાં પ્રયોગશીલતા આદિની સૈદ્ધાંતિક-તાત્વિક વિચારણા છે. ‘સ્વાધ્યાય’ આ સંગ્રહનો ઉલ્લેખનીય લેખ છે, જેમાં સ્વગત, અતિરંજન, નાટકમાં કલ્પનાનું સ્થાન, વાકછટા અને સંવાદ, સંઘર્ષ અને કાર્ય તથા રંગસૂચનનું તાત્વિક સ્વાનુભવી મૂલ્યાંકન છે. દલાલની અરૂઢ, માર્મિક, કટાક્ષયુક્ત, તાર્કિક ગદ્યલઢણનાં દર્શન પણ અહીં થાય છે. -રવીન્દ્ર ઠાકોર વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી