ભોજક જયશંકર ભૂધરદાસ, ‘સુંદરી’
(૩૦-૧-૧૮૮૯, ૨૨-૧-૧૯૭૫) : આત્મકથાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના વિસનગરમાં. બે ધોરણ સુધીનો અભ્યાસ. ૧૮૯૮-૧૯૦૧ દરમિયાન કલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં. વચ્ચે થોડો સમય બાદ
કરીએ તો મુખ્યત્વે ૧૯૦૧-૧૯૩૨ દરમિયાન મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૪૮ થી ૧૯૬૨ સુધી અમદાવાદમાં રંગભૂમિની આબોહવા સર્જવા સક્રિય બન્યા. ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના
બાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ. ૧૯૫૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૫૭માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક. ૧૯૭૧ માં પદ્મભૂષણનો ઇલ્કાબ. વિસનગરમાં અવસાન.
‘થોડાં આંસુ થોડાં ફૂલ’ (૧૯૭૬) એમની આત્મકથા છેલ્લાં સો વર્ષની ગુજરાતી રંગભૂમિ અને નાટ્યસ્થિતિને સમજવા માટે મહત્ત્વ ધરાવે છે. લેખક-નિર્માતા-દિગ્દર્શક વચ્ચે સુમેળના અભાવે ગુજરાતી નાટક અને રંગભૂમિને પ્રતિકૂળ અસર
પહોંચાડી છે એ મુખ્ય સૂર આ કૃતિમાંથી સંભળાય છે. કળાકારની સાધનાને સમજવા માટે પણ આ કૃતિ ઉપયોગી છે. અલબત્ત, નમ્ર, સ્વભાવ અને આત્મકથાના પ્રકાર સાથે કામ પાડવાની ઓછી આવડતને લીધે આત્મકથાકારનાં અંગત
જીવન અને, વ્યક્તિત્વ ઓછાં ઊપસે છે.
-જયંત ગાડીત
થોડાં આંસુ : થોડાં ફૂલ (૧૯૭૬) : ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ અદાકાર જયશંકર ‘સુંદરી’ની આત્મકથા. સંનિષ્ઠ અને પારદર્શી વ્યક્તિત્વ ધરાવતા આ નટે ઉચ્ચ કોટિનું નાટ્યકૌશલ સિદ્ધ કરવા કેવી તપશ્ચર્યા કરી હતી તેની સંઘર્ષમય
કથા અહીં પ્રગટ થઈ છે. તેમના અંગત જીવનના કરુણ પ્રસંગોનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. ગુજરાતી ધંધાદારી રંગભૂમિની અહીં મળતી અનેકવિધ વિગતો ઐતિહાસિક દ્રષ્ટિએ મૂલ્યવાન છે. તેમાં કેટલાક વ્યક્તિચિત્રો પણ સમાવિષ્ટ
થયાં છે. આત્મકથાનું ત્રીજું પ્રકરણ ‘અંતરનાટક’ ત્રીજો પુરુ એકવચન પદ્ધતિએ લખાયું હોઈ લેખક તેમાં વધુ તટસ્થ બની શક્યા છે.