સાહિત્યસર્જક: કૃષ્ણલાલ શ્રીધરાણી
સવિશેષ પરિચય:
ફોટો: કૃષ્ણલાલ શ્રીધરાણી-તૃષિત પારેખ કોડિયાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનો કાવ્યસંગ્રહ. એમની સિસૃક્ષાને દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી સંસ્થાઓએ પોષણ આપ્યું છે. ગાંધીવાદને પગલે સમાજવાદની અસર અનુભવતા છતાં વાસ્તવના લેખનથી દૂર રહી એમણે કાવ્યના રસસૌન્દર્યની માવજત કરી છે. અહીં બાળસૃષ્ટિ, સ્વાતંત્ર્યઝંખના, ભક્તિ, પ્રણય અને પ્રકૃતિ જેવા વિષયોનું આકર્ષણ છે. ‘પતંગિયું ને ચંબેલી’ જેવાં કાવ્યોમાં ટાગોરનાં શિશુકાવ્યોની મોહકતા છે. સ્વાતંત્ર્ય અને સામાજિક વાસ્તવને નિરૂપતાં કાવ્યોમાં ભાવનાત્મક અભિગમ છે. ‘સ્વરાજ રક્ષક’માં ખેડૂતનો પ્રસ્વેદ જ શેલડીના મિષ્ટરસમાં રૂપાંતર પામે એ વકતવ્ય સૂચક છે. ‘આજ મારો અપરાધ છે, રાજા !’માં ટાગોરથી જુદી સ્વકીય ભાવમુદ્રા કવિએ ઉપસાવી છે. કવિએ અહીં મુક્તક પ્રકારની લઘુ ગેયરચનાઓ આપી છે ઉપરાંત સૉનેટ, ગીત અને પ્રસંગકાવ્યોની અજમાયેશ કરી છે. એમાં સૉનેટમાં સિદ્ધિ અલ્પ છે; પ્રસંગકાવ્યોમાં લાગણીના બળની સાથે નાટ્યાત્મકતા ભળે છે ત્યારે એ વિશેષ ચમત્કારક લાગે છે; દીર્ઘકાવ્યોમાં શિથિલ બંધ અને વાગાડંબર છે. ‘આઠમું દિલ્હી’, ‘બુદ્ધનું પુનરાગમન’ આદિ સ્વાતંત્ર્યોત્તર રચનાઓ કટાક્ષ અને વક્રતાપ્રેરિત છે. નવા વિષયો ઉપરાંત કાવ્યભાષાની રુક્ષતા અને પદ્યમુક્તિ અંગે કવિએ અનુભવેલી મથામણ નોંધપાત્ર છે.-તૃષિત પારેખ વડલો (૧૯૩૧) : કૃષ્ણલાલ શ્રીધરાણીએ વીસ વર્ષની વયે રચેલું નાટક. એમાં કાવ્યતત્વ, નાટ્યતત્ત્વ સંગીત અને નૃત્યનો સમન્વય થયો છે; તેથી નાટકની બાળભોગ્યતા વધી છે. ‘વડલો’ની સૃષ્ટિમાં વૃક્ષો છે, પુષ્પો છે, સમીર છે, ગ્રહો અને નક્ષત્રો છે, મેઘ છે, ઝંઝાવાત છે. આ બધા પદાર્થો અહીં સચેત પાત્રો તરીકે વર્તે છે. એ સૃષ્ટિમાં ભથવારી અને બાળકો પણ છે. પરંતુ આ નાટકમાં કોઈ રૂપક હોવાની સંભાવના જણાતી નથી. ઝંઝાવાત એ પ્રકૃતિની એક શક્તિ છે, તો વડલો તેની બીજી શક્તિ છે. આ બંને શક્તિઓ એકબીજા સાથે ટકરાય છે. વડલો પરાજિત થાય છે પણ પરાધીન થતો નથી; તેથી એનો પરાભવ ભવ્ય લાગે છે. આ નાટક અનેકવાર ભજવાયું છે. એના પૂર્વાર્ધમાં કાર્યવેગ થોડો છે, તેમ જ એના કથાઘટકો પરસ્પર નિઃશેષપણે સંયોજાયા જણાતા નથી. આમ છતાં, ટાગોરના ‘ડાકઘર’ની જેમ આ નાટક અને એની ભજવણી દરેક વયનાં પ્રેક્ષકોને આકર્ષે છે.-તૃષિત પારેખ મોરના ઈંડાં (૧૯૩૪) : કૃષ્ણલાલ શ્રીધરાણીનું સંસ્કૃત-પ્રાકૃત તત્વોના સંઘર્ષનું પ્રતીક શૈલીનું નાટક. અહીં નિસર્ગના સંતાન સમા તીરથને ભણાવવા માટે છાત્રાલયમાં રખાય છે. પુસ્તકના અક્ષરો અને છાત્રાલયની શિસ્ત એની ચેતનાને રુંધે છે. ગામમાં મિયાણાની ઘાડ પડી ત્યારે કોઈને પૂછ્યા વગર તત્ક્ષણ છાત્રાલયમાંથી છટકી તેણે મિયાણાનો સમાનો કર્યો અને શહાદત વહોરી લીધી. આશ્રમનાં જ્ઞાન, શિસ્ત અને અભ્યાસની સામે લેખકે તીરથના જીવનનાં પ્રેમ, શૌર્ય અને કર્તવ્યને વિરોધાવી સભ્યતાને ઝાંખી પાડી છે. અહીં લેખક રુસોના કેળવણીવિષયક પ્રકૃતિવાદથી પ્રભાવિત જણાય છે. નાટકનું ગદ્ય કાવ્યમય છે. તીરથમાં ક્યાંક પ્રવેશતું સુધરેલાપણું, ખેંચાતો ચર્ચા-અંશ અને ઉદભવતું ક્રિયામાંદ્ય લેખકની સિદ્ધિને ખાસ ઢાંકી શકતાં નથી.-તૃષિત પારેખ પદ્મિની (૧૯૩૪) : પદ્મિનીની ઇતિહાસકથાને નીતિશાસ્ત્રના ફૂટપ્રશ્નના ઉકેલ અર્થે પ્રયોજતું કૃષ્ણલાલ શ્રીધરાણીનું નાટક. ક્ષત્રિય નરનારીઓનાં ટેક, પરાક્રમ, સતીત્વ અને કુલાભિમાન જાણીતાં છે, તેથી એ પાત્રો, નાટકકાર બતાવે છે તેમ, પસંદગીના સંઘર્ષમાં સંડોવાય જ નહિ. મેટરલિન્કની વાનાની જેમ પદ્મિનીને એક સ્ત્રી તરીકે નિર્ણય કરવાનો હોઈ શકે. પદ્મિનીના અંતરમાં આવો કોઈ સંઘર્ષ બતાવ્યો હોત તો કદાચ નિર્વાહ્ય ગણાત. આ નાટકમાં નાટકકારનું અમુક સામર્થ્ય પ્રગટ થયું છે, પણ એ નિરપવાદ નથી.-તૃષિત પારેખ વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી