સાહિત્યસર્જક: લાભશંકર ઠાકર
સવિશેષ પરિચય:
ફોટો: લાભશંકર ઠાકર - જયંત ગાડીત વહી જતી પાછળ રમ્ય ઘોષા (૧૯૬૫) : લાભશંકર ઠાકરનો પરંપરા અને પ્રયોગના સંધિકાળનો કાવ્યસંગ્રહ. અહીં મિશ્રોપજાતિની શક્યતા અને પ્રવાહિતા ખીલવવાનો પ્રયત્ન ખાસ આગળ તરી આવે એવો છે. સંમુખના જીવનકોલાહલ કરતાં કવિનું ધ્યાન અતીતની જીવનગતિ તરફ વિશેષ રહ્યું છે. સ્મૃતિબિંબો કલ્પન તરીકે રચનાઓમાં આહલાદક રીતે ઊપસેલાં છે. ‘ચાંદરણું’, ‘અંતિમ ઈચ્છા’ જેવાં પારંપરિક કાવ્યોની સાથે ‘ચક્રપથ’, ‘સાંજના ઓળા લથડતા જાય’, ‘સૂર્યને શિક્ષા કરો’ જેવાં પ્રયોગનાં કાવ્યો ગોઠવાયેલાં છે. પ્રયોગની આત્યંતિકતા બતાવતું પ્રસિદ્ધ ‘તડકો’ કાવ્ય ખાસ ઉલ્લેખનીય છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા માણસની વાત (૧૯૬૮) : લાભશંકર ઠાકરની દીર્ઘ કાવ્યરચના. અહીં શુદ્ધ કવિતાનો આશય છે, તેમ જ કેવળ પ્રેરણાને સ્થાને સંવિધાનકલાનો પુરસ્કાર છે. કથાદોરને બદલે ભાષાદોર પર આગળ વધતી આ રચનામાં કવિએ વિધાનોથી કાર્ય સાધ્યું છે. કટાક્ષ, વક્રતા, ઉપહાસ-ઠઠ્ઠાવિરોધની પ્રજ્ઞાનો કલ્પન-પ્રતીક-પ્રતિભાવનાં સંવેદનો સાથેનો સમન્વય સૂક્ષ્મ છે. ગદ્યવિધાનોની સાથે સાથે શાલિની, વસંતતિલકા, મિશ્રોપજાતિ, પૃથ્વીનો લય ચમત્કારિક છે. લોકકથાના લહેકાઓ અને લોકગીતોના ઢાળોનું અનુસંધાન માર્મિક છે. અહીં ‘માણસ’ જેવી જાતિવાચક સંજ્ઞામાંથી આદિથી આજ સુધી ચાલી આવેલી બિનઅંગત-અંગત, વાત બત્રીસ વર્ષના અનુભવ-કેન્દ્રથી આરંભાયેલી છે. આધુનિક કવિતાનાં મહદ્ લક્ષણો આ રચનાઓ પ્રગટ કર્યાં છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા મારા નામને દરવાજે (૧૯૭૨) : ભાષાસંયોજનો અને ભાષાસંવેદનોની બળુકી અભિવ્યક્તિઓ દર્શાવતો લાભશંકર ઠાકરનો બાસઠ રચનાઓને સમાવતો પ્રયોગશીલ કાવ્યસંગ્રહ. ભાષાની પ્રત્યાયનશીલતાનો વિરોધ કરતી ભાષાની ક્રાંતિકારક વિભાવના અહીં રચનાઓ પાછળ કાર્યરત છે. અસંગતતા અને અસંબદ્ધતાને કેન્દ્રમાં રાખી જોડાતા શબ્દસંદર્ભોની ચમત્કૃતિ આધુનિક ચેતનાની વિચ્છિન્નતા અને અર્થહીનતાને વ્યક્ત કરવા મથે છે. મુખ્યત્વે અચેતનના સ્તરેથી આવતી હોય એવી પ્રતીક-કલ્પનની સામગ્રી વાસ્તવિકતાનો તારસ્વરે વિરોધ કરે છે. પારંપરિક કાવ્યલયોની તો અહીં ઠેર ઠેર વિડંબના છે. આધુનિક મનુષ્યની વિડંબના જેવાં ‘લઘરા’ નાં કાવ્યો પણ ખાસ ઉલ્લેખપાત્ર છે. ‘અવાજને ઊંચકી શકાતો નથી / ને ઊંચકી શકતું નથી મૌન’ જેવી જાણીતી રચના પણ અહીં છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા એક ઊંદર અને જદુનાથ (૧૯૬૪) : ‘રે મઠ’ દ્વારા પ્રકાશિત લાભશંકર ઠાકર અને સુભાષ શાહનું લખેલું ત્રિઅંકી નાટક. બૅકેટના ‘વેઇટિંગ ફોર ગોદો’ ને અનુલક્ષીને લખાયેલું આ નાટક અસ્તિત્વવાદ અને ઍબ્સર્ડની વિચારધારાઓને તથા એ બંનેના પ્રયોગપ્રવાહોને અનુસરે છે. અ અને બ નામના બે અજાણ્યા શખ્સોનો સતત સંવાદ ચાલતો હોવા છતાં એમની વાતચીતમાં કોઈ દોર નથી. અસ્તિત્વની વેદના, મૃત્યુ અને ભયની પરિસ્થિતિઓ, જીવનની વિફળતા-આ બધાના અધ્યાસો ઠેર ઠેર પડઘાયા કરે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા પીળું ગુલાબ અને હું (૧૯૮૫) : લાભશંકર ઠાકરનું દ્રિઅંકી નાટક. અહીં અભિનયની તીવ્રતાને લીધે એક તબક્કે વાસ્તવિક જીવન અને અભિનયની થઈ જતી ભેળસેળથી સર્જાતી સંકુલ મનઃસ્થિતિનું નાટકની અભિનેત્રી નાયિકા સંધ્યા અને સ્ત્રી-નિર્માતાનાં પાત્રો દ્વારા સચોટ આલેખન થયું છે. સ્ત્રી-નિર્માતાના પાત્ર દ્વારા સૂત્રધાર રૂપે પાત્રો, પ્રેક્ષકો અને દિગ્દર્શકને થતાં સીધાં સંબોધનો અને તેનાથી સર્જાતા નાટ્યવિક્ષેપો નાટકમાં એક વિશિષ્ટ રચનાતરેહ નિપજાવે છે. નાટ્યસર્જનવેળાની લેખન, અભિનય અને દિગ્દર્શનની એમ ત્રિવિધ ચેતનાની સંકુલતાનું પર્યાપ્ત નાટ્યક્ષમતા સહિત થતું નિરૂપણ કૃતિને નોંધપાત્ર બનાવે છે. -રમેશ ર. દવે વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી