મુનિ જિનવિજ્યજી
(૨૭-૧-૧૮૮૮, ૩-૬-૧૯૭૬) : જન્મ ઉદેપુર-મેવાડ જિલ્લાના રૂપાહેલી ગામે. મૂળ નામ કિશનસિંહ વૃદ્ધિસિંહ પરમાર. ૧૯૦૩માં શાસ્ત્રજ્ઞાનની ઇચ્છાથી સ્થાનકવાસી જૈન સંપ્રદાયની દીક્ષા; ૧૯૦૯માં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા. આ જ
વખતે જિનવિજય નામ ધારણ કર્યું. પાટણના જૈનાચાર્ય શ્રીકાન્તિવિજ્યજી પાસે સંસ્કૃત-પ્રાકૃત ભાષાસાહિત્યનો અભ્યાસ. આખરે સાધુવેશ ત્યાગી, મુક્ત થઈ અધ્યાપકજીવનનો સંકલ્પ. ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વમંદિરના આરંભનાં થોડાં વર્ષ આચાર્ય.
૧૯૨૮માં ભારતીય વિદ્યાના અભ્યાસ અર્થે જર્મની-પ્રયાણ. ૧૯૨૯માં પુનરાગમન. ૧૯૩૨ થી ૧૯૩૬ સુધી શાંતિનિકેતનમાં જૈનસાહિત્યના અધ્યાપક. ૧૯૩૯માં ભારતીય વિદ્યાભવનના
પુરાતત્વવિભાગના અધ્યક્ષ. ૧૯૫૦માં રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનના માનાર્હ નિયામક. ૧૯૬૭માં નિવૃત્ત. ફેફસાના કેન્સરથી અમદાવાદમાં અવસાન.
પ્રાચીન ભારતીય સાહિત્ય અને સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધક આ લેખકે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીની ભાષા અને સાહિત્યનું પાટણ, વડોદરા, પૂના વગેરે સ્થળોના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં રહેલી હસ્તપ્રતોને આધારે
અધ્યયન-સંશોધન કર્યું છે; અને સિંધી ગ્રંથમાલાના સંપાદન હેઠળ ગુજરાતના ઇતિહાસની મહત્વની સાહિત્યિક સાધનસામગ્રી પ્રકાશિત કરી છે. એમનાં સંપાદનોમાં ‘પ્રાચીન જૈન લેખસંગ્રહ’; -ભા. ૧, ૨ (૧૯૧૮, ૧૯૨૨), પાલી ભાષાનો
શબ્દકોશ ‘અભિધાનદીપિકા’ (૧૯૨૪), ‘જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય’ (૧૯૨૬), ‘પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ’ (૧૯૩૧) વગેરે મુખ્ય છે.