સાહિત્યસર્જક: નિરંજન ભગત
સવિશેષ પરિચય:
ફોટો: નિરંજન ભગત-ચંદ્રકાન્ત ટોપીવાળા છંદોલય– બૃહત્ (૧૯૭૪) : ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૩), ‘છંદોલય’ (૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮) વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત ૧૯૫૮-૭૧ દરમિયાન રચાયેલી ત્રણેક રચનાઓનો સમાવેશ કરતો નિરંજન ભગતનો કાવ્યસંગ્રહ. અહીં પાંચમા અને છઠ્ઠા દાયકા દરમિયાનની સૌંદર્યાનુરાગી કવિતાનો પ્રબળ ઝોક છે, તો સાથે સાથે, પછીથી સાતમા દાયકામાં વિકસનાર આધુનિક કવિતાનો અણસાર પણ છે. અભિવ્યકિતમાં ઘાટીલો કલાકસબ અને સભાન કારીગરી છે. છંદ અને લયની મનોહર મુદ્રાઓ છે. પ્રાસ-અનુપ્રાસની ચુસ્તતા છે. મુગ્ધ ભાવોદ્રેક અને સ્વપ્નશીલ માનસની રંગરાગિતાના સુઘડ અને પ્રશિષ્ટ આવિષ્કારો છે. કાન્ત-ન્હાનાલાલની ભાવઘનતા અને બ. ક . ઠાકોરની અર્થઘનતાનું સમન્વિત રસાયણ કવિતાને મૂર્ત સંવેદનીલતા અર્પે છે. છાંદસ ગીતો ને સ્થાપત્યપૂર્ણ સૉનેટોમાં કવિનો વિશેષ ઉન્મેષ છે. અહીં મુખ્ય સૂર મિલનના ઉલ્લાસ કરતાં વિરહના વિષાદનો છે. ‘રે આજ આષાઢ આયો’ ઉત્તમ ગીતરચના છે. આ જ સંગ્રહમાં આધુનિક ભાવમુદ્રામાં રિક્તતા, એકવિધતા, શૂન્યતા અને નિરર્થકતાને ઉપસાવતાં કાવ્યો પણ છે. કટાક્ષ અને વ્યંગ એની તીવ્ર ધારો છે. મુંબઈ નગર પરના ‘પ્રવાલદ્વીપ’ કાવ્યસમૂહમાં નગરસંસ્કૃતિની યાતનાને નિરૂપતી વેળાએ આ કવિ બોદલેરની જેમ નગરનો નિવાસી નથી પણ એમાં આગન્તુક છે; ને તેથી ‘પુચ્છ વિનાની મગરી’ ને જોવા બહારથી ઊપડે છે. નગરનું સીમેન્ટ-કાચ-કાંકરેટના આધુનિક અરણ્યરૂપે દર્શન, મ્યુઝિયમમાં સિંહની પ્રત્યક્ષ થતી પ્રતિકૃતિ, ઍક્વેરિયમમાં સાંકડી નઠોર જૂઠ સૃષ્ટિનો માછલી દ્વારા સામનો, ફોકલૅન્ડ રોડ પર સ્નેહલગ્નનું ઊભું થતું નગ્નસ્વરૂપ, ચર્ચગેટથી લોકલમાં થતો અનુભવ-આ બધું સ્થળ, પરિસ્થિતિ અને પાત્રોના માધ્યમે સંવેદનરૂપે ઊતર્યું છે. સ્વરૂપગત નહીં, પણ મુખ્યત્વે વિષયલક્ષી પ્રયોગલક્ષિતાના આધુનિક નમૂનાઓ અહીં રજૂ થયા છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (૧૯૭૫) : નિરંજન ભગતનો વિવેચનનિબંધ. આ નિબંધના કલ્પેલા કુલ સાત ખંડોમાંથી પૂર્વાર્ધ રૂપે પાંચ ખંડોને વસ્તુવિષયની એકતા જળવાય એ રીતે લીધેલા છે. ટેક્નોલૉજિક્લ યુગમાં કવિતાની મૂલ્યવિચારણાનો અહીં ઉપક્રમ છે. ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ અને ઔદ્યોગિક યુગના સંદર્ભમાં કવિતાના સ્થાનને તપાસવાનો ઉદ્દેશ છે. આ તપાસમાં દલપતરામકૃત ‘હુન્નરખાનની ચઢાઈ’, ગાંધીજીકૃત ‘હિન્દસ્વરાજ’, રણજિતરામની વાર્તા ‘માસ્તર નંદનપ્રસાદ’, બળવંતરાય ઠાકોરકૃત ‘ઇતિહાસદિગ્દર્શન’નો ત્રીજો ખંડ અને ઉમાશંકરની સૉનેટમાલા ‘આત્માનાં ખંડેર’-એ ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓનું મિતાક્ષરી વિશ્લેષણ અને વિવેચન થયું છે. વિશદતા અને અભિનિવેશ આ નિબંધનાં બે મહત્વનાં લક્ષણો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી