સાહિત્યસર્જક: સુંદરજી બેટાઈ
સવિશેષ પરિચય:
ફોટો: સુંદરજી બેટાઈ-જયંત ગાડીત જ્યોતિ રેખા (૧૯૩૪) : સુન્દરજી બેટાઈનો ખંડકાવ્યસંગ્રહ. એમાં ‘સિદ્ધાર્થનું સ્વપ્ન’, ‘સુલોચનાનું લોચનદાન’, ‘શસ્ત્રસંન્યાસ’, ‘દાંપત્ય’ અને ‘સુવર્ણચદ્વારિકાનું સાગરનિમજજન’ એમ કુલ પાંચ ખંડકાવ્યો છે. દીર્ઘ રચનાઓ રૂપે પ્રસરેલાં આ કાવ્યોમાં ચુસ્ત શિલ્પવિધાનનો અભાવ છે. અપ્રતીતિકર ભાવાભિવ્યક્તિઓ અને છંદોનાં અસુભગ સંયોજનોને કારણે ઝાઝો પ્રભાવ ઊભો થતો નથી. શિથિલ બંધ છતાં એકંદરે શૈલી સ્વસ્થ અને ગંભીર છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ઇન્દ્રધનુ (૧૯૩૯) : સુંદરજી બેટાઈનો, પાંચ વિભાગમાં વિભાજિત ૧૧૨ કાવ્યોનો સંગ્રહ. ‘પ્રયાણ’ નામક પ્રથમ ગુચ્છમાં જીવનની ગતિવિધિને લગતાં કેટલાંક સાદાં-સરળ સૉનેટ છે. કવિની વિચારદ્રષ્ટિ અને જીવનદ્રષ્ટિ ભાવનાપૂર્ણ છે અને તેનું નિરૂપણ ઠીક ઠીક મુખર છે. બીજા ગુચ્છ ‘પ્રણયમંગલ’નાં કાવ્યોમાં પ્રેમની વિવિધ અનુભૂતિઓ નિરૂપાયેલી છે. ‘ઇન્દ્રધનુ’ નામનું પુત્ર-વિયોગનું કાવ્ય કરુણપ્રશસ્તિ સ્વરૂપનું છે. અન્ય કાવ્યોમાં પ્રેમનાં પ્રત્યક્ષ સંવેદનો અને ભાવનાત્મક લાગણીઓનું આલેખન નોંધપાત્ર છે. ‘પ્રણયવૈષમ્ય’ નામના ગુચ્છમાં પ્રેમજન્ય વેદનાનું ગાન છે. ‘પ્રકૃતિદ્વારે’માં પ્રકૃતિવર્ણનનાં કાવ્યો છે, તો ‘ઝાંઝરી’નાં ૨૭ કાવ્યોમાં રહસ્ય, અધ્યાત્મ અને સદભાવનાનું નિરૂપણ થયેલું છે. પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુનું નિરૂપણ કરતી આ સંગ્રહની કવિતાની પદાવલિ તત્સમ છે. -મણિલાલ પટેલ સદગત ચંદ્રશીલાને (૧૯૫૯) : સુંદરજી બેટાઈ રચિત દીર્ઘ શોકપ્રશસ્તિ. નાના-નાના નવ ભાગોમાં વહેંચાયેલું, વિવિધ છંદોમાં લખાયેલું આ કાવ્ય અભિવ્યક્તિની તીવ્રતા, સૂક્ષ્મતા, ભાવની આર્દ્વસંયતતા, છંદ અને ભાષાની ભાવાર્થપૂર્ણ વિશદતા ધરાવે છે. પત્નીના અવસાનથી જન્મેલો શોક વર્ણવીને કવિ છત્રીસ વર્ષના દામ્પત્યજીવનની અનેક મધુર ક્ષણોને નિરૂપે છે. માથેરાન, ગોદાવરી, ગંગા-જમનાનો તટ, પૂનમની રાતો ને હૂંફાળી બપોરો આદિ સ્થળકાળ-સંદર્ભિત વિશેષ સંવેદનોને કવિ યાદ કરે છે. આ સૌની ઉપર તરી આવતો પ્રેમ કરુણના આવરણમાં વધુ ને વધુ સ્પર્શક્ષમ બને છે. વર્ણનોમાં ક્યાંક સ્થૂળતા કે સામાન્યતા આવી ગઈ છે, સિવાય કવિએ છંદોને સફાઈદાર રાખી તત્સમ પદાવલિ વડે ભાવાર્થની વ્યંજનાને જાળવી છે. -મણિલાલ પટેલ તુલસીદલ (૧૯૬૧) : ‘વિશેષાંજલિ’ પછીનો સુંદરજી બેટાઈનો કાવ્યસંગ્રહ. આઠ- ખંડમાં, એક અનુવાદ સહિત, ગાંધીયુગનું અનુસંધાન જાળવતાં કુલ ચોપન કાવ્યો છે. કેટલાંક ગીત છે, વધુ છંદોબદ્ધ છે. સમુદ્રનો સંસ્કાર ઝીલતી રચનાઓ પ્રમાણમાં આસ્વાદ્ય છે. ‘સદગત ચન્દ્રશીલાને’ જેવી રચનામાં પત્નીના મૃત્યુ પરત્વેનો વિશેષ સંવેદન-આલેખ કુશળ કવિકર્મ દ્વારા પ્રગટ થયો છે. ગીતોમાં ‘પાંજે વતનજી ગાલ્યું’ નોંધપાત્ર છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી