સાહિત્યસર્જક: વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
સવિશેષ પરિચય:
ફોટો: વિષ્ણુપ્રસાદ ત્રિવેદી-પ્રસાદ બ્રહ્મભટ્ટ પરિશીલન : (૧૯૪૯) : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનો, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સન્માન સમિતિ દ્વારા સંપાદિત વિવેચનસંગ્રહ. સાહિત્યિક સિદ્ધાંત તેમ જ પ્રત્યક્ષવિવેચનના આ લેખોમાં સાહિત્યરુચિની પરિષ્કૃતતા સ્પષ્ટ છે. ‘સાધારણીકરણ’ અને ‘આચાર્ય આનંદશંકરનું ધર્મચિંતન’ જેવા લેખો મૂલ્યવાન છે. ‘વિવેચનની પ્રતિષ્ઠા’ માં ભાષા અને છંદ વિશેના લેખકના અભિપ્રાયો તેમ જ વિવેચન વિશેનું મંતવ્ય વિવાદોત્તેજક છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ઉપાયન (૧૯૬૧) : વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો પષ્ઠિપૂર્તિ અભિનંદનગ્રંથ. પહેલા ત્રણ ખંડોમાં લેખકનાં વિવેચનાત્મક લખાણોમાંથી પસંદ કરાયેલા લેખો છે; તો ચોથા ખંડમાં લેખકના જીવનકાર્યને મૂલવતા, વિવિધ સાથીઓ દ્વારા લખાયેલા લેખો છે. પહેલા ખંડ ‘અનુભાવના’ માં સિદ્ધાંતચર્ચાના લેખો છે. ‘દ્વિજોત્તમ જાતિની કવિતા’, ‘અનુભાવના’, ‘સૌંદર્યની ઉપાસના’ જેવા લેખોમાં કાવ્યપદાર્થ તરફ જોવાનું એમનું કૌતુકરાગી વલણ પ્રગટ થાય છે. આનંદ આપવા સિવાય સત્યનું દર્શન કરાવવું તેને એ ઉત્તમ કવિતાનું લક્ષણ માને છે. સંસ્કૃત કાવ્યસિદ્ધાંતો પ્રત્યેનું એમનું ચિકિત્સક વલણ ‘રસ, સૌન્દર્ય અને આનંદ’ ‘રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા’, ‘સાધારણીકરણ’ જેવા લેખોમાં દેખાય છે. એમને લાગે છે કે રસસિદ્ધાંત આધુનિક સાહિત્યને મૂલવવા માટે અપર્યાપ્ત છે; તેથી રસને સ્થાને સૌંદર્ય-રમણીયતાને કાવ્યમૂલ્યાંકનમાં વધુ સ્વીકાર્ય માપદંડ એમણે ગણ્યો છે. ‘વિવેચનનો ઉદભવ’ ‘વિવેચકનો કાર્યપ્રદેશ’, ‘વિવેચનની પ્રતિષ્ઠા’, જેવા લેખો વિવેચનપ્રવૃત્તિ વિશેના એમના વિચારો પ્રગટ કરે છે. વિવેચન વિવેચકની વૈયક્તિક મુદ્રાથી અંકિત બને છે, એટલે વિવેચન પણ સર્જનાત્મક પ્રવૃત્તિ છે; -એટલી આત્યંતિકતાઓ એ ન ગયા હોય, પણ વિવેચન કળાકૃતિના સાક્ષાત્ અનુભવના આનંદથી ધબકતું હોય તેને એ ઈષ્ટ જરૂર ગણે છે. બીજા ખંડમાં લેખકનાં ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ પરનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો મુકાયાં છે. નર્મદથી આનંદશંકર સુધી લખાયેલા ગુજરાતી ચિંતનાત્મક ગદ્યમાં વ્યક્ત થયેલા વિચારોની તેમાં તપાસ છે. ત્રીજા ખંડમાં લેખકની કૌતુકરાગી વિવેચનની વિશેષતાઓથી પ્રભાવિત કૃતિ-સમીક્ષાના લેખો ભલે બહુ સુગ્રથિત ન હોય, તૂટકછૂટક હોય, પરંતુ મર્માળાં અને ઊંડી સૂઝ તથા રસજ્ઞતાથી ભરેલાં નિરીક્ષણોવાળાં જરૂર છે. -જયંત ગાડીત અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય (૧૯૫૦) : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનાં ૧૯૪૪-૪૫નાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવતો ગ્રંથ. સાહિત્યનું પ્રવાહદર્શન કરાવતા આ ગ્રંથમાં દુર્ગારામ મહેતાથી આનંદશંકર સુધીના ગાળાની વિચારસામગ્રીનું અવલોકન કરવાનો પ્રયત્ન થયો છે. દુર્ગારામ મહેતા, પૂર્વ નર્મદ અને ઉત્તમ નર્મદ, તેમ જ નવલરામની વિચારણા રજૂ કર્યા પછી ભોળાનાથ, મહીપતરામ, રમણભાઈ, નરસિંહરાવ, કાન્ત વગેરેનો ધર્મશોધક ચિંતનપ્રવાહ તપાસ્યો છે. આ પછી ગોકુળજી, મનઃસુખરામ, મણિલાલ, નથુરામ શર્મા, આનંદશંકર વગેરેની વેદાંતી વિચારધારાનું મૂલ્યાંકન કર્યું છે. ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુક રાગ’ જેવો લેખ ગ્રંથને અંતે પૂર્તિ રૂપે મૂકેલો છે. આ ગ્રંથમાંથી પ્રગટતો લેખકનો લાક્ષણિક દ્રષ્ટિકોણ મહત્વનો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ગોવર્ધનરામ : ચિંતક અને સર્જક (૧૯૬૨) : વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનો વિવેચનગ્રંથ. આમાં ‘ગોવર્ધનરામ ત્રિપાઠી વ્યાખ્યનમાળા’ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીને આશ્રયે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો સંગ્રહિત છે. એમાં ગોવર્ધનરામની તત્વવિચારણા અને સાહિત્યવિચારણાને તપાસવાનો ઉપક્રમ છે. ‘સ્નેહમુદ્રા’ અને ‘સરસ્વતીચંદ્ર’નાં મૂલ્યાંકનો પણ અહીં છે. અહીં નીતિગ્રાહી અને સત્યગ્રાહી વિવેચકની સૌન્દર્યદ્રષ્ટિનો પરિચય થાય છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી