વાચનકક્ષ આર્કાઈવ્ઝ

ગદ્ય

ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા

સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારપરંપરાઓ પ્રજાને એકતંતુએ જોડી રાખે છે. માન્યતાઓ, રીતિરિવાજો, માનવતાવાદી વલણો એક પ્રજા તરફના બીજી પ્રજાઓના વ્યવહારો આદિની ઓછીવધતી સમાનતાઓ પણ પ્રજાને વિચારવર્તનને સૂત્રે બાંધી રાખવાનું કામ કરે છે. સમયના બદલાવા સાથે આ વ્યવહારો ને વલણોમાં પણ પરિવર્તનો આવતાં રહે છે. યંત્રયુગના આજના સમયમાં આવાં પરિવર્તનો ઝડપી હોવાનાં. આવા કાળમાં સમગ્ર દેશને, દેશની પ્રજાને એકસૂત્રમાં પરોવી રાખવાનાં પરિબળો ઘટતાં જાય એમ પણ બને. જ્યાં વિવિધ ધર્મ, સમાજ, જાતિ અને વર્ગના લોકો વસે છે એવા આપણા ભારત દેશમાં એકતાની ભાવનાને અખંડ રાખનારાં બળો - પરિબળો ગઈકાલ સુધી તો સાબદાં હતાં. આજે ભલે પરિસ્થિતિ બદલાતી હોય, ગઈ પેઢીના હયાત લોકોએ, ખાસ કરીને આઝાદીના આંદોલનોના કાળમાં ઊછરેલા-જીવેલા લોકોએ ભારતવર્ષની એકતા, એની સંસ્કૃતિ, એની અસ્મિતા, એની સભ્યતા તથા પ્રજાના સંસ્કારો દ્વારા દેશભાવનાનો, દેશભિમાનનો, એકતાનો-ભારતીયતાનો અનુભવ કર્યો હતો.

વિધર્મી શાસકો સામે ભૂતકાળમાં હિન્દુ રાજાઓએ યુધ્ધો ખેલ્યાં હતાં. ત્યારે ય એ પ્રજામાં આર્યાવર્તની, મહાન ભારતભૂમિની ભરપૂર લાગણી હતી, બલકે એ દેશદાઝના બળે એ લોકો માતૃભૂમિની રક્ષા કરવા ને એમ કરતાં મરીફીટવા પણ તૈયાર રહેતા. આપણી એ દેશભાવના, શૌર્ય અને અસ્મિતા, માનવતા અને માનવશ્રધ્ધાએ જ આપણને ટકાવી રાખ્યા હતા. આપણાં પુરાણોમાં જીવનકલ્યાણ માટે જીવનસંઘર્ષની વાતો આવે છે, એમાં જીવનચિંતન અને જીવનદર્શન પણ ભરપૂર છે. આપણે ત્યાં અલગ પ્રદેશો અલગ ભાષાઓ અને અલગ ધર્મની પ્રજાઓ ભલે વસતી હોય, આપણી જીવનપરંપરાઓ તો પેલાં પુરાણોએ ચીંધેલા માર્ગે જ ચાલે છે. એ કલ્યાણકામના, ચિંતન અને દર્શનને આપણ 'ભારતીયતા'ને નામે ઓળખીએ છીએ.

આપણા, પરલોકપરાયણ મધ્યકાલીન સાહિત્યમાં જે ભક્તિશ્રધ્ધાની પરંપરા ગણાઈ છે તે પણ આપણી ભારતીય પરંપરાને અનુરૂપ છે. સાહિત્ય જ્યારે જ્યારે જીવનકેન્દ્રી, માનવલક્ષી, ચિંતન અને દર્શનઉન્મુખ બન્યું છે ત્યારેત્યારે એમાં ભારતીય વિચારધારાઓનું અનુસન્ધાન થતું રહ્યું છે. ગોવર્ધનરામની બૃહન્નવલ 'સરસ્વતીચન્દ્ર' એનું સૌપહેલું નોંધપાત્ર ઉદાહરણ છે. નર્મદનું 'હિન્દુઓની પડતી' કે દલપતરામનું 'વેનચરિત્ર' પણ આપણી પરંપરાગત અસ્મિતાઓને જ ચીંધે છે. કનૈયાલાલ મુનશીની કૃતિઓમાં ગુજરાતની અસ્મિતા સાથે આર્યાવર્તની ભાવનાનું વર્ણન છે, તો 'ઝેર તો પીધાં જાણી જાણી'માં માનવતા, નીતિ અને જીવનકલ્યાણની કામના ભારતીયતાના વ્યાપક સંદર્ભોમાં ઘટાવી શકાશે. હમણાં પ્રગટેલી 'દર્શક'ની 'કુરુક્ષેત્ર' કૃતિ પણ આપણી પરંપરાઓનું નૂતન અર્થઘટન કરી આપણને 'ભારતીયતા'ને સંદર્ભે જ જીવનનિષ્ઠ બનવા સંકોરતી રહે છે.

ગાંધીજીએ પ્રબોધેલાં જીવનમૂલ્યો એ આપણી - પૂર્વની આર્યાવર્તની સંસ્કૃતિમાં જ દ્યોતક છે, એ જ એમની ગંગોત્રી છે. ગાંધીસાહિત્ય, ગાંધીજીના અંતેવાસીઓનું સાહિત્ય તથા ગાંધીજીના પ્રભાવે કરીને રચાયેલા સાહિત્યમાં પણ ભારતીયતાની ખેવના જોવા મળે છે. કિશોરલાલ મશરૂવાલાના જીવન અને કેળવણી વિશેના ખ્યાલો, કાલેલકરનાં પ્રવાસવર્ણનો કે સ્વામી આનંદના ચરિત્રો તથા ભ્રમણવૃત્તોમાં પણ આપણી આર્યભૂમિની, આપણી પ્રાચીન-અર્વાચીન સંસ્કૃતિની તથા પ્રજાની સંસ્કારપૂર્ણ સભ્યતાની જિકર મળે છે. ર.વ.દેસાઈની નવલકથાઓમાં આદર્શો-ભાવનાઓને નામે એનું જ વર્ણનનિરૂપણ જોવા મળે છે.

ઉમાશંકરે એમની કવિતામાં વિવિધ રીતે ભારતવર્ષને હિમાલયને, સાગરને, સૃષ્ટિસૌંદર્યને, સંસ્કૃતિભાવના તથા માનવતાને ગાયાં છે. એમના ઉપર ટાગોરનોય પ્રભાવ છે. ઊંચા શૃંગો ગમે પણ રહેવું તો છે તળેટીમાં લોકો સાથે. હૃદયમાં લોકજીવનનો ધબકાર કવિને ગમે છે. એમનાં તથા અન્યોનાં પદ્યરૂપકો કે પૌરાણિક વિષયો ઉપર રચાયેલાં કાવ્યો (ને અન્ય કૃતિઓ) પણ પ્રાદેશિક સંકુચિતતાને નહીં પણ દેશની અખંડિત મોકળાશને અને માનવતાને ગાય છે. 'સુન્દરમ'નું '૧૩-૭ની લોકલ' આપણને જુદી રીતે પણ ભારતવર્ષની દુ:ખદર્દભરી સ્થિતિનું જ દર્શન કરાવે છે. 'ફૂટપાથ પર સુનારાં' બધે જ સરખાં છે ! 'હું ગુર્જર ભારતવાસી' એમ એક કવિ કહે તો બીજો યુધ્ધની સામે માનવતાની વાત કરે... વિનાશ નહીં, નવસર્જનની વાત કરે તો તે ભારતીય સંસ્કૃતિનું દર્શન છે. ઘરે ઘરે વીર ગાંધી ને બારણે બારણે બુધ્ધ જગાવવાની વાત પણ પૌર્વાત્ય સંસ્કૃતિના સંતાનો જ કરી શકે એવી વાત છે. પ્રજાજીવનની યાતનાઓ, આઝાદીની ઝંખના તથા માનવકલ્યાણ માટેની કામનાઓને વર્ણવતું સાહિત્ય પણ ભારતવર્ષની ક્ષિતિજોને તાકે છે. 'વિશ્વશાંતિ'થી આરંભાયેલું એ ગાન મંદ પડ્યું છે પણ મટી ગયું નથી.

સમભાવ, સદાચાર, નીતિ, માનવતા ને જીવનમાંગલ્યને આરાધતું સાહિત્ય પણ ભારતીયતાની ભાવનાને જ પરિપોષક બને છે. ને તેવા સાહિત્યની ગુજરાતને ખોટ પડી નથી. પૌરાણિક વિષયો લઈને આજે પણ સર્જકો સાહિત્યસર્જન કરે છે.

-મણિલાલ હ. પટેલ

 

- 'ગુજરાતી સાહિત્ય કોશ'માંથીવાચનકક્ષમાં ઉમેરો: જૂન ૨૦૦૮

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.